ઉત્તરાયણ પહેલા રેલવેએ જાહેર જનતાને કરી મહત્ત્વની અપીલ

રેલવે ટ્રેક પાસે પતંગ ચગાવવી બની શકે છે જીવલેણઃ અમદાવાદ ડિવિઝનની અપીલ
અમદાવાદઃ ઉત્તરાયણ નિમિત્તે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા જાહેર જનતાને સુરક્ષાના કારણસર મહત્ત્વની તાકીદ કરી છે. ઉત્તરાયણ દરમિયાન લોકો ગાંડાઘેલા થઈને પતંગ ચગાવતા હોય છે, જેના કારણે અનેક વખત મોટી દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છે. જેથી લોકોને સાવચેતી સાથે ઉત્તરાયણની ઉજવણી કરવી જોઈએ. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના તમામ સેક્શનમાં રેલવે લાઇન ઉપર 25,000 વોલ્ટ (25 કિલોવોલ્ટ)ના ઓવરહેડ ઇલેક્ટ્રિક (OHE) હાઇ-વોલ્ટેજ તાર પસાર થતા હોય છે. ઘણીવાર જોવા મળે છે કે પતંગ ઉડાવતી વખતે દોરી આ તારાઓમાં ફસાઈ જાય છે. કેટલીક દોરીમાં ધાતુના અંશ અથવા ભેજ હોવાના કારણે તેમાં વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે, જેના કારણે કરંટ નીચે સુધી પહોંચી શકે છે, જેનાથી મોટી જાનહાનિ ક્યારેક થઈ શકે છે, તેથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.
દોરી આ તારાઓમાં ફસાઈ તો તેનાથી દૂર રહેવું જોઈએ
દોરીમાં ધાતુના અંશ અથવા ભેજ હોવાના કારણે હાઇ-વોલ્ટેજ તાર પતંગ ઉડાવનાર વ્યક્તિઓ, રેલવે ટ્રેકની નજીકથી પસાર થનારા નાગરિકો તથા ટ્રેક પર કાર્યરત રેલવે કર્મચારીઓ માટે પણ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. જેથી પશ્ચિમ રેલવે દ્વારા લોકોને સૂચનાઓ આપવામાં આવી છે અને સાથે અપીલ પણ કરવામાં આવી છે.
અમદાવાદ મંડળ દ્વારા જનસામાન્ય માટે સુરક્ષા જાગૃતિ અભિયાની વાત કરવામાં આવે તો, અમદાવાદ મંડળ દ્વારા જનસામાન્ય માટે સુરક્ષા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના અંતર્ગત રેલવે પાટા આસપાસ રહેતા નાગરિકોને કાઉન્સેલિંગ દ્વારા જરૂરી સાવચેતીઓ અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
પોતે સાવચેત રહો અને લોકોને પણ જાગૃત કરો
રેલવે પ્રશાસન દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, લોકો પહેલા જાતે સાવચેત રહે અને બાદમાં અન્ય લોકોને પણ આ માટે જાગૃત કરે, જેથી ઉત્તરાયણ પર્વ સુરક્ષિત અને આનંદમય રીતે ઉજવી શકાય. રેલવે વિભાગે કહ્યું કે, તમારી સાવચેતી માત્ર તમારી જ સુરક્ષા નહીં, પરંતુ અન્યના જીવનની પણ રક્ષા કરે છે. જેથી રેલવે દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અને અપીલોનું ખાસ પાલન કરવું ખૂબ જ જરૂરી છે.
અમદાવાદ ડિવિઝન દ્વારા જાહેર કરાયેલ મુખ્ય સૂચનાઓ અને અપીલ
- પાટાથી દૂર રહો: સુરક્ષા અને કાયદાની દૃષ્ટિએ રેલવે ટ્રેકની આસપાસ પતંગ ન ઉડાવો.
- હાઇ-વોલ્ટેજ તારને સ્પર્શ ન કરો: જો પતંગ અથવા દોરી ઓવરહેડ તારામાં ફસાઈ જાય તો તેને કાઢવા માટે કોઈપણ પ્રકારની છડી, લાકડી કે સાધનનો ઉપયોગ ન કરો.
- બાળકોની સુરક્ષા પર ખાસ ધ્યાન આપો: માતાપિતાએ ખાતરી કરવી જોઈએ કે બાળકો પતંગ પકડવાના લાલચમાં રેલવે ટ્રેક તરફ ન જાય.
- રેલવે કર્મચારીઓની સુરક્ષા: ઓવરહેડ તારામાં ફસાયેલી દોરી ટ્રેક પર કાર્યરત રેલવે કર્મચારીઓ માટે પણ ગંભીર જોખમ ઉભું કરે છે.



