ઉત્તરાયણ આવતાં જ અમદાવાદમાં પોળો, કોટ વિસ્તારમાં ધાબાનું ભાડું આકાશને આંબ્યું
અમદાવાદઃ ઉત્તરાયણને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. અમદાવાદની ઉત્તરાયણ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ દરમિયાન કોટ વિસ્તાર અને પોળોમાં ઉત્તરાયણના બે દિવસ દરમિયાનનું ભાડું આકાશને આંબી ગયું છે. 14 અને 15 તારીખનો આ બે દિવસીય ઉત્સવ અનેક લોકો માટે કમાણીનું સાધન બન્યું છે.
કઈ કઈ સુવિધા આપવામાં આવે છે
પોળોમાં ધાબું ભાડે આપતાં લોકોના કહેવા મુજબ, અમે ફૂડ, પાણી, નાસ્તો, માંજો અને પતંગ સવારથી સાંજ સુધી આપીએ છીએ. જો અમે તેમને સારી સુવિધા આપીશું તો ફરી વખત તેઓ ચોક્કસ આવશે.
આપણ વાંચો: ઉત્તરાયણ પહેલા રાજ્યમાં પતંગ પકડવાની લ્હાયમાં બે બાળકોએ જીવ ગુમાવ્યો
પોળાના ધાબા મોટા હોવાથી 40 થી 50 લોકો રહી શકે છે. જેમાં વ્યક્તિ દીઠ ભાડું રૂ. 4000 હોય છે. 10 લોકોના ગ્રુપને આસાનીથી 40,000 ભાડું પોસાય છે. જો કોઈ એનઆરઆઈને આવવું હોય તો તેઓ ડૉલરમાં વાત કરે છે. તેમની પાસેથી પ્રતિ વ્યક્તિ 92 ડૉલર ભાડું લેવામાં આવે છે.
કોર્પોરેટ કંપનીઓ પણ ધાબુ લે છે ભાડે
કેટલીક કોર્પોરેટ કંપનીઓ પણ તેમના કર્મચારીઓ માટે પોળોમાં ઉત્તરાયણ માણવાની વ્યવસ્થા કરતી હોય છે. જો 15-20 કર્મચારીઓની ટીમ શહેરની મધ્યમાં ઉત્તરાયણનો આનંદ માણવા માંગતી હોય તો ધાબા માલિકોને રૂ. 80,000 થી રૂ. 1,00,000 કમાવવાની તક મળે છે.