અમદાવાદ

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો; ગાજવીજ સાથે વરસાદ

અમદવાદ: હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આજે સાંજથી રાજ્યના કેટલાક જીલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ શરુ થયો હતો. જેને કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે, ત્યારે કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન થવાની ભીતિ છે.

આજે સાંજે રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગોંડલ અને જામકંડોરણા પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો. જેતપુર તાલુકામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.

અમરેલી જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો, જીલ્લાના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેને કારણે કેરીના પાકને મોટું નુકસાન થયું છે. અચાનક તૂટી પડેલા વરસાદને કારણે જેતપુર માર્કેટીંગ યાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવેલા મરચા તેમજ ડુંગળી પલળી ગઈ છે, જેના કારણે ખેડૂતો અને વેપારીઓને નુકશાન પહોંચ્યું છે.

ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. જીલ્લાના શંખેશ્વર તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.

સાબરકાંઠા જીલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. જીલ્લાના વિજયનગર, ઈડર અને વડાલીમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. મહીસાગરના સંતરામપુરના વાતવરણમાં પલટો આવ્યો હતો.

હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોના કમોસમી વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચો…મુંબઈ સહિત પરાના વિસ્તારમાં વીજળીના કડાકા સાથે વરસાદ: કલ્યાણમાં બિલ્ડિંગનો સ્લેબ પડ્યો, 6 જણના મોત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button