અમદાવાદટોપ ન્યૂઝ

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ક્યાં આવ્યો વાતાવરણમાં પલટો?

અમદાવાદઃ રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આ દરમિયાન ડાંગ જિલ્લામાં શુક્રવારે રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. શુક્રવાર સાંજથી જ વાદળછાયું વાતાવરણ હતું. સાપુતારા ગિરિમથક તળેટીના ગામો,આહવા અને આસપાસના ગામોમાં રાત્રિના સમયમાં વરસાદી ઝાપટું પડ્યું હતું.

ડાંગની સાથે નવસારી અને વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ઉમરગામ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. નવસારીના ખેરગામ તાલુકાના રૂમલા ગામે કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી હતી. ધરતીપુત્રોને કેરી અને ચીકુના પાકને નુકસાન થવાની ભીતિ છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ત્રણ દિવસ હજુ પણ આકરી ગરમી પડશે. મહત્તમ તાપમાનમાં વધારો થશે. 28 એપ્રિલથી 2 મે સુધીમાં અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, એપ્રિલ મહિનાના અંતમાં વધુ કાળઝાળ ગરમી પડશે. આ પછી મે મહિનામાં આંધી વંટોળ સાથે રાજ્યમાં અલગ-અલગ વિસ્તારમાં વરસાદ થઈ શકે છે. એપ્રિલના અંતમાં તાપમાન 40થી 44 ડિગ્રી સુધી રહી શકે છે. 30 એપ્રિલથી 8 મે વચ્ચે આંધી-વંટોળ સાથે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. 8 મે આસપાસ કેટલાક ભાગોમાં પવનના તોફાન સાથે વરસાદ થવાની શક્યતા છે.

ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વધુ વરસાદ અને અમદાવાદ, ગાંધીનગર, વડોદરાનું હવામાન પલટાશે. તેમણે વધુમાં જણાવ્યું કે, 25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન કદાચ ચક્રવાત પણ બની શકે. જેની અસર પાકિસ્તાન તરફ થાય તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ થઈ શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે.

આ પણ વાંચો…રાજકોટ, અમરેલી સહીત સૌરાષ્ટ્ર તપ્યું; તાપમાનનો પારો ૪૩ ડીગ્રીએ પહોંચ્યો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button