અમદાવાદમાં પલટાયું વાતાવરણ, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ; ઠેર ઠેર પાણી ભરાયા

અમદાવાદઃ શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. કમોસમી વરસાદના કારણે અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા., સાબરમતી વિસ્તારમાં પંજાબી કોલોનીમાં ઘરમાં પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન થયું હતું. કમોસમી વરસાદથી પંચવટી, નિકોલ, ઓઢવ, બાપુનગર, ઈન્ડિયાકોલોની, અસારવા, ચમનપુરા, અખબારનગર, શિવરંજની, પ્રહલાદનગર કોર્પોરેટ રોડ સહિત અનેક જગ્યાએ પાણી ભરાયા હતા.

વાસણા બેરેજના દરવાજા ખોલ્યા
અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેના કારણે અમદાવાદ જિલ્લાના ધોળકા અને આસપાસના નીચાણવાળા ગામોને એલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી હતી. વરસાદના કારણે અમદાવાદના મકરબા અંડરપાસમાં કાર ફસાઈ ગઈ હતી. આ કારનું ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સાબરમતી ડી-કેબિન અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતા બંધ કરવો પડ્યો હતો.અંડરપાસ બનાવ્યા બાદ તેમાં વરસાદી પાણીના નિકાલ અંગેની કોઈ આયોજન કે વ્યવસ્થા ન કરવામાં આવતા હાલમાં બંધ રાખવો પડ્યો હતો.
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પોલીસ સ્ટેશનની સામે આવેલા અર્બુદા ફ્લેટની બે ગેલેરીનો ભાગ વહેલી સવારે ભારે વરસાદના કારણે ધારાશાયી થયો હતો. 30 વર્ષથી વધુ જુના ફ્લેટનું ધાબુ પણ બેસી ગયું હતું. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
અમદાવાદમાં આજે છે વરસાદની આગાહી
અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય જે હાલ રાજસ્થાનના સાઉથ વેસ્ટ પર સક્રિય છે. જેના કારણે આખા રાજ્યમાં થંડરસ્ટ્રોમની ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં સિવિયર થંડર સ્ટ્રોમ એક્ટિવિટી થશે અને આગામી પાંચ દિવસ ભારે પવન, ગાજવીજ અને વરસાદની ચેતવણી આપવામાં આવી છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, વડોદરા, નર્મદા, સુરતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ તીવ્ર મેઘગર્જના સાથે કરા પડવાની ચેતવણી છે.
આ પણ વાંચો….ગુજરાતમાં 103 તાલુકાઓમાં ખાબક્યો કમોસમી વરસાદ; ભાવનગરનાં મહુવામાં 7 ઇંચ જેટલો વરસાદ, ખેડૂતોની ચિંતા વધી