PM મોદી બાદ અમિત શાહ આવશે ગુજરાતના પ્રવાસે! રાજકીય અટકળો શરૂ…

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હમણાં જ ગુજરાતના પ્રવાસે આવ્યાં હતાં. તે બાદ હવે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ 31 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. ગુજરાતમાં બીજેપીમાં અત્યારે કંઈક રંધાઈ રહ્યું છે.
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ પ્રમુખની નિમણૂક કરવાની છે અને સાથે મંત્રીમંડળનું વિસ્તરણ પણ કરવાનું છે. પીએમ મોદીની ગુજરાત યાત્રા પણ કદાચ એના માટે જ હતી તેવું રાજકીય વિશ્લેષકો કહી રહ્યાં છે. આ દોરમાં હવે અમિત શાહ પણ બે દિવસ બાદ ગુજરાતમાં આવી રહ્યાં છે.
ધારાસભ્ય જયેશ રાદડિયાએ અમિત સાથે શુભેચ્છા મુલાકાત કરી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવે તે પહેલા આજે જેતપુરના ધારાસભ્ય અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયા નવી દિલ્હી ખાતે પહોંચ્યાં છે. આ દરમિયાન જયેશ રાદડિયાએ અમિત સાથે શુભેચ્છા મુલાકાત કરી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાની ચર્ચાઓ ચાલી રહી છે, તેવામાં જયેશ રાદડિયા અમિત શાહ સાથે મુલાકાત કરી આવ્યાં છે. જેથી કંઈક નવા જૂની થવાના એંધાણ હોઈ શકે છે.
અમિત શાહના ગુજરાત પ્રવાસને લઈ ચર્ચા શરૂ
મહત્વની વાત એ છે કે, ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ તરીકે કોનું નામ પ્રકાશમાં આવશે તેની અટકળો ચાલી રહી છે. જેમાં જયેશ રાદડિયા જે જેતપુર વિધાનસભા બેઠક પરથી સતત 2012, 2017 અને 2022માં ધારાસભ્યની ચૂંટણી જીતતા આવ્યાં છે. જેથી આજની તેમની મુલાકાતે અનેક પ્રકારની ચર્ચાને વેગ આપ્યો છે.
વર્તમાનમાં સીઆર પાટીલ કેન્દ્રીય પ્રધાન બન્યાં છે, તો સ્વાભાવિક છે કે, ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તે એક ચર્ચાનો વિષય છે. જેથી અમિત શાહના ગુજરાત પ્રવાસ પર અત્યારે ચર્ચા થઈ રહી છે. પણ નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તે હજી એક સમય આવે જ ખબર પડશે.
આ પણ વાંચો…પ્રધાનમંડળ વિસ્તરણમાં અવરોધ કે સસ્પેન્સ યથાવત્: હવે નવું મુહૂર્ત ક્યારે?