યુનિવર્સિટી કેમ્પસમાં પ્રાણીઓને મળશે ખોરાક અને આશ્રય; UGCએ આપ્યા નિર્દેશ | મુંબઈ સમાચાર
અમદાવાદ

યુનિવર્સિટી કેમ્પસમાં પ્રાણીઓને મળશે ખોરાક અને આશ્રય; UGCએ આપ્યા નિર્દેશ

અમદાવાદ: દર વર્ષે શહેરોમાં નાગરિકો પર શ્વાનના હુમલાના સંખ્યાબંધ બનાવો બને છે, ત્યારે આવી ઘટના રોકવા માટે વ્યવસ્થા કડક કરવા સરકાર સમક્ષ માંગ ઉઠી રહી છે. બીજી તરફ પ્રાણીપ્રેમીઓ શહેરોમાં નિરાશ્રિત પ્રાણીઓ માટે વધુ સમાવેશક અને આરામદાયક વાતવરણ બનાવવા માંગ કરી રહ્યા છે. એવામાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને યુનિવર્સીટીના કેમ્પસમાં એનિમલ વેલ્ફેર સોસાયટીની રચના કરવા અને કેમ્પસમાં પ્રાણીઓ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા નિર્દેશ (UGC directs Universities for animal welfare) આપ્યો છે.

કેટલાક લોકો રખડતા પ્રાણીઓને ઉપદ્રવ ગણાવે છે અને તેને રહેવાસી વિસ્તારમાંથી હાંકી કાઢવા માંગ કરે છે, લોકોના આવા વલણ સામે પ્રાણીપ્રેમીઓ સખત વાંધો ઉઠાવે છે. એક અભ્યાસ મુજબ શહેરોમાં ખોરાક અને આશ્રયના અભાવ, માણસો દ્વારા માર મારવાનો ડર અને વધી રહેલા ટ્રાફિકને કારણે નિરાશ્રિત શ્વાનોમાં માનસિક તણાવ વધી રહ્યો છે, ક્યારેક આવા શ્વાનો માણસો પર હુમલો કરી બેસે છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને પ્રાણીઓના ભલાઈ માટે શરુ કરેલી આ પહેલને પ્રાણીપ્રેમીઓ આવકારી રહ્યા છે. પ્રાણીપ્રેમીઓના મતે નિરાશ્રિત શ્વાનોને પુરતો અને યોગ્ય ખોરાક, પાણી અને રહેવા તથા હરવાફરવા માટે સલામત જગ્યાઓ પૂરી પાડવાથી તેમની મદદ કરી શકાય છે. કમિશનની પહેલનો ઉદ્દેશ્ય શૈક્ષણિક સંસ્થાઓને પ્રાણીઓ માટે વધુ આરામદાયક અને સમાવેશી બનાવવાનો છે.

કમિશને યુનિવર્સિટીઓએ કેમ્પસમાં નિરાશ્રિત પ્રાણીઓ માટે ફૂડ એરિયા, સેફ પ્લેસ અને પ્રાણીઓની સંભાળ માટે ફર્સ્ટ એઇડ કીટનો રાખવા નિર્દેશ કર્યો છે. આ વ્યવસ્થા ઉપરાંત પ્રાણીઓના રક્ષણ અંગે વર્કશોપ, ફિલ્મ સ્ક્રિનિંગ, સેમીનાર અને કમ્યુનિટી પ્રોગ્રામ્સ ચલાવવાનો નિર્દેશ આપવામાં આવ્યા છે.

કમિશને યુનિવર્સીટીઝને કેમ્પસમાં વેટનરી હોસ્પિટલો અથવા શેલ્ટર્સ સાથે જોડાણ કરવા કરવા અને લીગલ એઇડ માટે સ્ટડી સર્કલ બનાવવા કહ્યું છે. આ ઉપરાંત માણસો અને પ્રાણીઓ વચ્ચે અવારનવાર સંઘર્ષ થતો હોય એવા વિસ્તારમાં વર્કશોપ યોજવાનું પણ સુચન કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે ભારતીય બંધારણના અનુચ્છેદ 51A(g) માં પણ પ્રાણીઓના કલ્યાણ નિર્દેશો આપવામાં આવ્યા છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ વિદ્યાર્થીઓના સર્વાંગી શિક્ષણના ભાગરૂપે પ્રાણીના સંરક્ષણ માટે ટ્રેનીંગ આપવાનો ઉલ્લેખ છે. જેને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને આ નિર્દેશો આપ્યા છે.

યુનિવર્સિટીઓએ કમીશનના નિર્દેશોના પાલન માટે તૈયારીઓ હાથ ધરી છે.

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button