અમદાવાદ

ધોલેરામાં દેશી દારુ પીવાથી બેનાં મોતઃ એફએસએલના રિપોર્ટમાં થયો નવો ખુલાસો

અમદાવાદ: ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પરંતુ દારૂબંધીના લીરેલીરા ઊડે તેવી અનેક ઘટનાઓ બનતી રહી છે. ત્યારે અમદાવાદ જિલ્લાના ધોલેરામાં કથિત દેશી દારૂ પીવાના કારણે બે લોકોના શંકાસ્પદ મોત થતાં ખળભળાટ મચી ગયો હતો. આ કેસમાં એફએસએલના રિપોર્ટમાં મિથાઈલ આલ્કોહલનું પ્રમાણ નહોતું. પોલીસે જણાવ્યું છે કે ગરમી અને વધારે દારુ પીવાથી ડિહાઈડ્રેશનથી મોત થયું હતું. પોલીસે આ કેસમાં કાર્યવાહી કરતા મુખ્ય આરોપી સહિત અન્ય લોકોની ધરપકડ કરી છે.

પ્રાથમિક વિગતો અનુસાર મૃતકોએ જે સ્થળેથી દારૂ ખરીદીને પીધો હતો, તે જ સ્થળેથી અન્ય 20 જેટલા લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. સાવચેતીના ભાગરૂપે આ તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા હાલ વધુ તપાસ ચાલી રહી છે.

લઠ્ઠાકાંડ થયો ન હોવાનું પોલીસે સ્પષ્ટ કર્યું

આ અંગે અમદાવાદ ગ્રામ્ય પોલીસે જણાવ્યું કે, ગઈકાલે રાત્રે ધોલેરામાં બે લોકોના મૃત્યુ અંગે AD (એક્સિડેન્ટલ ડેથ) દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તારણ મુજબ, દેશી દારૂ પીધા બાદ ગરમીના કારણે ડિહાઇડ્રેશન થવાથી મોત નીપજ્યા હોવાનું જણાઈ આવ્યું છે.

ત્યાર બાદ તાત્કાલિક FSLમાં બ્લડ સેમ્પલ મોકલીને તપાસ હાથ ધરવામાં આવતા, તેમાં મિથાઈલ આલ્કોહોલ કે અન્ય કોઈ ઝેરી કેમિકલની હાજરી મળી આવી નથી, જેથી કોઈ લઠ્ઠાકાંડ થયો ન હોવાનું પોલીસે સ્પષ્ટ કર્યું છે. હાલમાં આ પ્રકારનો અન્ય કોઈ કેસ નોંધાયો નથી અને આ બાબતે પોલીસ દ્વારા તપાસ ચાલુ છે. દારૂ પૂરો પાડનાર બુટલેગરની ધરપકડ કરીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

“લઠ્ઠાકાંડ દબાવવાનો પ્રયાસ” કોંગ્રેસનો આરોપ

ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આ મામલે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને લઠ્ઠાકાંડની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, તેમને કેટલાક ફોન આવ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ધોલેરામાં લઠ્ઠાકાંડ થયો છે અને મજૂરોના મૃત્યુ થયા છે, પરંતુ પોલીસ દ્વારા સમગ્ર મામલો દબાવી દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

શક્તિસિંહ ગોહિલે મુખ્ય પ્રધાન કાર્યાલયને ટેગ કરીને વિનંતી કરી છે કે, “આપ યોગ્ય તપાસ કરાવશો જેથી સત્ય બહાર આવે અને સારવારના અભાવે કોઈ ગરીબના વધુ મૃત્યુ ના થાય.” તેમણે અમદાવાદના ડીએસપી સાથે થયેલી વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો અને સ્વીકાર્યું કે પોલીસે પ્રિકોશન તરીકે લોકોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને બુટલેગર પર નજર રાખી રહ્યા છે, જે સરાહનીય છે. જોકે, તેમણે સમગ્ર ગુજરાતમાં અસામાજિક પ્રવૃત્તિઓમાં થઈ રહેલા વધારા પર ચિંતા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો…પંજાબ લઠ્ઠા કાંડ: ઝેરી દારુ પીવાથી 21ના મોત, મુખ્ય પ્રધાનના રાજીનામાની માંગ કરી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button