ગુજરાત ટ્રાફિક પોલીસની નવી ડ્રાઇવ: હવે ડાર્ક ફિલ્મ અને નંબર પ્લેટ વિનાના વાહનોની ખેર નહીં

અમદાવાદ: ગુજરાતમાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરનાર વાહનચાલકો સામે સખત કાર્યવાહી શરૂ થઈ છે. રાજ્યભરમાં નંબર પ્લેટ વગરના વાહનો અને ડાર્ક ફિલ્મ લગાવેલી ગાડીઓ સામે પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઇવ 3થી 17 સપ્ટેમ્બર સુધી ચાલશે, જેમાં અમદાવાદ ટ્રાફિક પોલીસે પહેલા જ દિવસે આકરી કાર્યવાહી કરીને લાખો રૂપિયાનો દંડ વસૂલ્યો છે.
સૂત્રો જાણકારી પ્રમાણે સ્ટેટ ટ્રાફિક બ્રાંચના આદેશ અનુસાર, અમદાવાદ ટ્રાફિક પોલીસે પહેલા દિવસે નંબર પ્લેટ વગરના 300થી વધુ વાહનચાલકો સામે કેસ નોંધીને 1.20 લાખથી વધુનો દંડ ફટકાર્યો અને 23 વાહનો ડિટેઇન કર્યા. આ ઉપરાંત, ડાર્ક ફિલ્મ લગાવેલી ગાડીઓ સામે 150થી વધુ કેસ નોંધીને 72,000થી વધુનો દંડ વસૂલવામાં આવ્યો અને સાત ગાડીઓ જપ્ત કરવામાં આવી. આ ડ્રાઇવનો હેતુ ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા અને રોડ સેફ્ટી વધારવાનો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં ઘણા સયમથી નિયમભંગ કરનાર વાહનચાલકો સામે સતત કાર્યવાહી કરવામાં આવે છે. છેલ્લા દોઢ વર્ષમાં અમદાવાદમાં ડાર્ક ફિલ્મના 30,000થી વધુ કેસ નોંધાયા છે, જેમાં 1.68 કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. તેવી જ રીતે, નંબર પ્લેટ વગરના વાહનોના 38,000થી વધુ કેસમાં 1.41 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ આંકડાઓ દર્શાવે છે કે નિયમોનું પાલન ન કરવું લોકોમાં સામાન્ય બની ગયું છે.
અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક પોલીસની કામગીરીમાં ઉદાસીનતા જોવા મળી છે. બી ડિવિઝનના નવરંગપુરા, નારણપુરા અને યુનિવર્સિટી વિસ્તારમાં માત્ર ત્રણ કેસ નોંધાયા, જ્યારે એચ ડિવિઝનમાં બાપુનગર, ગોમતીપુર, રખિયાલમાં છ અને જે ડિવિઝનમાં ઇસનપુર, મણિનગર, વટવામાં આઠ કેસ નોંધવામાં આવ્યા છે. બીજી તરફ, જી, કે, એન અને એસજી-2 ડિવિઝનોએ સૌથી વધુ કેસ નોંધવામાં આવ્યા છે.
આ ડ્રાઇવ દ્વારા ટ્રાફિક પોલીસનો હેતુ લોકોમાં નિયમોનું પાલન કરવાની જાગૃતિ લાવવાનો છે. ડાર્ક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો માત્ર નિયમોનું ઉલ્લંઘન જ નથી, પરંતુ રોડ સેફ્ટી માટે પણ જોખમી છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરે અને આવી ડ્રાઇવ દરમિયાન કાર્યવાહીથી બચવા માટે પોતાના વાહનોને નિયમો અનુસાર તૈયાર રાખે.
આ પણ વાંચો…સુરતમાં ટ્રાફિક પોલીસે મનપાના જ 20 વાહનો ડિટેઈન કર્યા…