ટ્રાફિક દંડની રૂા. 148.80 કરોડની રકમ ગુમ : કેગના રિપોર્ટમાં ઘટસ્ફોટ | મુંબઈ સમાચાર
અમદાવાદ

ટ્રાફિક દંડની રૂા. 148.80 કરોડની રકમ ગુમ : કેગના રિપોર્ટમાં ઘટસ્ફોટ

અમદાવાદઃ ગુજરાત સરકારે ટ્રાફિક નિયમોના ભંગ બદલ વસૂલેલા દંડની સંપૂર્ણ રકમ એટલે કે 100 ટકા ‘ગુજરાત માર્ગ સુરક્ષા નિધિ ફંડ’માં જમા કરાવવાની જોગવાઈ હોવા છતાં માત્ર 87 ટકા રકમ જ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ ચોંકાવનારો ખુલાસો કેગના ઑડિટ રિપોર્ટમાં થયો છે. આ રિપોર્ટ મુજબ, કુલ રૂ. 148.80 કરોડની રકમ ટ્રાન્સફર થઈ નથી.

કેગના વાર્ષિક નાણાકીય ઑડિટ રિપોર્ટમાં 2012-13 થી 2023-24 સુધીના સમયગાળાનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન ગુજરાત સરકારે ટ્રાફિક દંડ તરીકે કુલ રૂ. 1,123.29 કરોડ વસૂલ્યા હતા, પરંતુ તેમાંથી માત્ર રૂ. 974.49 કરોડ જ ‘ગુજરાત રાજ્ય માર્ગ સુરક્ષા નિધિ’ (જીએસએમએસએન)ના ફંડમાં ટ્રાન્સફર થયા. આ આંકડા દર્શાવે છે કે 13 ટકા જેટલી રકમ એટલે કે રૂ.148.80 કરોડ અન્યત્ર જતી રહી છે.

નિયમ મુજબ, ટ્રાફિક દંડમાંથી મળતી આવક રાજ્યનિધિમાં જમા થવી ફરજિયાત છે. આ આવકનો ઉપયોગ માર્ગ સુરક્ષા સંબંધિત પ્રવૃત્તિઓ માટે થાય છે. આ હેતુસર, ડીજી અને આઈજીપી, ગાંધીનગરના નામે એક ખાનગી લેજર ખાતું (પીએલએ) ખોલવામાં આવ્યું છે, જેમાં 2006થી સરકારે 100 ટકા દંડની રકમ જમા કરાવવાની જોગવાઈ કરી હતી.

રિપોર્ટમાંમાં આપેલા વર્ષવાર આંકડાઓ પર એક નજર કરીએ તો 2012-13: કુલ રૂ. 38.22 કરોડ વસૂલાયા હતા, જેમાંથી માત્ર રૂ. 22.99 કરોડ (60.18 ટકા) ટ્રાન્સફર થયા હતા. 2015-16: કુલ રૂ. 78.65 કરોડ વસૂલાયા હતા, જેમાંથી માત્ર રૂ. 59.76 કરોડ (76.01 ટકા) ટ્રાન્સફર થયા હતા. 2023-24: કુલ રૂ. 237.00 કરોડ વસૂલાયા હતા, જેમાંથી રૂ. 208.65 કરોડ (88.05%) ટ્રાન્સફર થયા હતા.

આ આંકડાઓ દર્શાવે છે કે દરેક વર્ષે ટ્રાન્સફર થયેલી રકમની ટકાવારીમાં વધારો થયો છે, પરંતુ કોઈ પણ વર્ષમાં 100 ટકા રકમ ટ્રાન્સફર થઈ નથી. કુલ ટ્રાન્સફર થયેલી રકમની ટકાવારી માત્ર 87.06 ટકા છે. આ ખુલાસા બાદ બાકીની રકમ ક્યાં ગઈ તે અંગે અનેક સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચો…વારંવાર ટ્રાફિક ભંગ કરતા હો તો સુધરી જાજો, પોલીસે તૈયાર કરી યાદી

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button