આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર! જાણો શિવપૂજાનું મહત્ત્વ અને વ્રત વિધિ | મુંબઈ સમાચાર

આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર! જાણો શિવપૂજાનું મહત્ત્વ અને વ્રત વિધિ

સનાતન ધર્મનો સૌથી પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. આજે શિવજીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે 28મી જુલાઈ એટલે કે, શ્રાવણનો પહેલો સોમવાર છે. ભગવાન શિવજીએ સૌથી પહેલા બ્રહ્માજીના પુત્ર સનત્કુમારને સોમવારનું મહત્ત્વ જણાવ્યું હતું. સનાતન ધર્મના વિદ્વાનો જણાવ્યે છે કે, શ્રાવણ સોમવારનું વ્રત સૌથી પહેલાં ભગવાન કૃષ્ણએ કર્યું હતું. અત્યારે શિવભક્તો મહાદેવની આરાધના કરવતા હોય છે.

સોમવારનું વ્રત અન્ય દરેક વ્રત કરતા સૌથી શ્રેષ્ઠ છે

સોમવાર ભગવાન શિવનું જ સ્વરૂપ હોવાનું માનવામાં આવે છે. ભગવાન શિવજીએ સ્વયં સનત્કુમારને જણાવ્યું હતું કે, સોમવાર મારું જ સ્વરૂપ છે. એટલા માટે તેને સોમ કહેવામાં આવે છે. સોમવારનું વ્રત અન્ય દરેક વ્રત કરતા શ્રેષ્ઠ હોવાનું શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે. આ દિવસે વ્રત કરવાથી દરેક પ્રકારનું સુખ મળે છે. જ્યોતિષના જણાવ્યાં પ્રમાણે આમ તો કોઈ પણ મહિનામાં સોમવારનું વ્રત કરી શકાય નહીં. પરંતુ શ્રાવણ સોમવારે વ્રત સૌથી વધારે પુણ્યદાયી રહે છે. શ્રાવણ મહિનામાં સોમવારનું વ્રત કરવાથી અન્ય દરેક સોમવારનું ફળ મળી રહે છે.

સંયમ રાખી વૈદિક રીતે સોમવારનું વ્રત કરવું

શ્રાવણ મહિનામાં સોમવારે શિવપૂજાનું મહત્ત્વ અનેરૂ હોય છે. ભગવાન શંકરની પૂજા કરવાથી દરેક પ્રકારનું પુણ્ય મળે છે. સોમવારે ઉપવાસ કરીને સંયમ સાથે વૈદિક કે લૌકિક મંત્રોથી વિધિ વિધાનથી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. કોઈપણ વ્યક્તિ ભગવાન શિવની પૂજા કરીને મનોવાંછિત ફળ મેળવી શકે છે. શ્રાવણ મહિનાના સોમવારે રૂદ્રાભિષેક કરીને ભોજન અને વસ્ત્ર, દક્ષિણા દાન કરવાથી સુખ અને સંપત્તિ વધી જાય છે.

દેવોના દેવ મહાદેવની પૂજા કેવી રીતે કરવી?

શિવજીની પૂજા સવારે અને સાંજે એટલે બંને સમય કરવી જોઈએ. પરંતુ શ્રાવણ સોમવારના વ્રતમાં પૂજાનો સૌથી સારો સમય સાંજનો એટલે પ્રદોષ કાળનો માનવામાં આવે છે. જેનો ઉલ્લેખ સ્કંદપુરાણમાં પણ કરવામાં આવેલો છે. શિવ મંદિરમાં જઈને દીવો અને ધૂપબત્તી કરવી અથવા તો ઘરમાં પણ પૂજા કરી શકાય છે. નદી કે કુવાનું શુદ્ધ જળમાં ગંગાજળ અને કાચુ દૂધ મિક્સ કરીને પછી શિવલિંગ ઉપર ચઢાવવું. જળ ચઢાવતી સમયે ‘ઓમ નમઃ શિવાય’ મંત્રનું ઉચ્ચારણ કરવું. ત્યાર બાદ ભગવાન શિવને ચંદન લગાવવું અને પછી બીલીપાન, ધતૂરો અને મદારના ફૂલ ચઢાવવા જોઈએ. આ દરમિયાન 108 વખત ‘ઓમ નમઃ શિવાય’ મંત્રનોજાપ કરવો અને પછી ભગવાનને મીઠાઈનો પ્રસાદ ચઢાવીને વહેંચો. આમ, કરવાથી તમારી દરેક મનોઇચ્છાઓ પૂર્ણ થતી હોય છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button