અમદાવાદ

રાજ્યમાં 24 કલાકમાં RTO ઈન્સ્પેક્ટર સહિત ત્રણ લાંચીયા ACBની ઝપટે ચડ્યાં…

અમદાવાદઃ ગુજરાતમાં લાંચીયા લોકો સામે એન્ટીકરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. તેમ છતાં સુધરવાનું નામ નથી લઈ રહ્યા. આરટીઓ ઈન્સ્પેક્ટર, મહિલા તલાટી સહિત ત્રણ લોકો એસીબીની ઝપટે ચડ્યાં હતા.

આ પણ વાંચો:અમદાવાદીઓ રોંગ સાઈડમાં વાહન ચલાવતા હો તો સુધરી જજો, આજથી થશે FIR

જમીન ગૌચર નથી તેવો દાખલો આપવા લાંચ માંગતી તલાટી ઝડપાઈ

ભુજમાં જમીનની માગણી અન્વયે ગ્રામ પંચાયતનો દાખલો તથા ઠરાવ આપવા અરજદાર પાસેથી રૂા.બે હજારની લાંચ માગનારા નખત્રાણા તાલુકાના દેશલપર (ગુંતલી)ના મહિલા તલાટી કમ સહમંત્રી ચંદ્રિકાબેન મગનભાઈ ગરોડા લાંચ રુશવત વિરોધી શાખાના છટકામાં આબાદ ઝડપાઇ જતાં ભ્રષ્ટ તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.

આ અંગે ઈન્ચાર્જ એસીબી પી.આઈ એમ.એમ. લાલીવાલાએ જણાવ્યું હતું કે, ફરિયાદીને દેશલપર (ગું.)ના સર્વે નં. ૬૦૭ પૈકીમાં સરકારના જમીન હોટેલ ઉદ્યોગ હેતુ પ૨૫ ચો.મી. જમીનની માગણી કરી હતી, જે સરકારી જમીન ગૌચર નથી તે અંગે ગ્રામ પંચાયતનો દાખલો અને ઠરાવ આપવા ફરિયાદીએ આરોપી મહિલા તલાટીને જણાવ્યું હતું. દાખલો અને ઠરાવ કાઢી આપવા બાબતે આરોપી મહિલા તલાટી ચંદ્રિકાબેને ફરિયાદી પાસેથી તેના મોબાઈલ ફોનમાં મેસેજ કરી રૂા. ૨૦૦૦ની લાંચ માંગતા અંગે ફરિયાદીએ એસીબીને જાણ કરતાં છટકું ગોઠવાયું હતું. ત્યારબાદ આરોપીના ફરજના સ્થળે ગયેલા ફરિયાદી સાથે ચંદ્રિકાબેને હેતુલક્ષી વાતચીત કર્યા બાદ લાંચ લેતા આબાદ ઝડપાયા હતા.

ગાંધીનગરમાંથી RTO ઈન્સ્પેક્ટર સહિત બે ઝડપાયા

ગાંધીનગર આરટીઓ કચેરી ખાતે આવતા અરજદારો પાસેથી એનકેન પ્રકારે બહાના કાઢી ઓનલાઈન કામગીરી અર્થે આર.ટી.ઓ કચેરીના અધિકારી/કર્મચારીઓ દ્વારા રૂ.100 થી રૂ.1000 સુધીની માંગણી કરવામાં આવતી હોવાની ફરિયાદ મળી હતી. જે આધારે વોચ ગોઠવી ડિકોયરનો સહકાર મેળવી લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આ્યું હતું. જેમાં કરેકશનમાં ફોર્મમાં સહી કરી આપવા બદલ લાંચ માંગતા આરટીઓ ઈન્સ્પેક્ટરર હિતેન્દ્રસિંહ જામસિંહ પરમાર અને અમદાવાદના દિપેનભાઈ ઉર્ફે ચિન્ટુ જીતેન્દ્રભાઇ રામી ઝડપાયા હતા.


સાબરકાંઠામાં પોલીસ કોન્સ્ટેબલ એસીબીના છટકામાં સપડાયો

ફરીયાદી પોતાની પત્નીને ઇકો ગાડીમાં રાજસ્થાન મૂકી પરત આવતા હતા, દરમિયાન રાત્રિના સમયે આરોપી રાકેશ કુમાર ચંદુભાઈ ડાભી (ઉ.વ. ૩૪,અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ , પોશીના પોલીસ સ્ટેશન, જી. સાબરકાંઠા) એ ગાડી ઉભી રખાવી ચેક કરતા ગાડીમાં એક બિયરની બોટલ મળી હતી. તેની પતાવટ માટે રૂા. 2 લાખની માંગણી કરી હતી.

રકઝકના અંતે રૂા 60,000 ની માંગણી કરી ગાડી લઈ જવા અને પૈસા નહી આપે તો દારૂનો કેસ કરવાનું કહી તે સમયે 2000 રૂપિયા લઇ લીધા હતા. ત્યારબાદ બીજીવાર પોશીના બજારથી પોલીસ સ્ટેશન પકડી લાવી રૂ. 4,000 લઈ લીધા હતા અને ત્યારબાદ બીજા પૈસાના અવેજ પેટે તેમનો મોબાઇલ લઈ લીધો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજવા ભારતે દાવેદારી કરી

જ્યારે પૈસા આપશે ત્યારે મોબાઈલ અને ઈકો ગાડી પરત કરીશ તેમ જણાવ્યું હતું. ઉપરાંત મોબાઈલ ફોન કરી અવારનવાર રૂ.10,000 ની માંગણી કરતા હતા. જે પૈસા તેઓ આપવા માંગતા ન હોય એ.સી.બી.નો સંપર્ક કરી છટકું ગોઠવ્યું હતું. જેમાં રૂા. 15,000 ની માંગણી કરી તેમની સાથે હેતુલક્ષી વાતચીત કરી, રકઝક ના અંતે લાંચની રકમ રૂા.12,500 સ્વીકારતાં સ્થળ ઉપર પકડાયા હતા.

એસીબીએ એક જ દિવસમાં ત્રણ લાંચીયા લોકોને ઝડપતાં લાંચ લેતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button