ટ્રાફિકથી ધમધમતો અમદાવાદનો આ જાણીતો રોડ બે મહિના માટે રહેશે બંધ, જાણો વૈક્લ્પિક રૂટ

અમદાવાદઃ શહેરમાં દિનપ્રતિદિન વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાને લઈ અનેક જગ્યાએ હાલ બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. વાડજ જંકશન પર અંડરપાસ અને ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. બ્રિજની કામગીરીને લઈ 3 ઓક્ટોબરથી વાડજથી રાણીપ રામાપીર ટેકરા તરફ જતો રોડ બે મહિના માટે બંધ કરવામાં આવશે.
500 મીટર વધુ ફરવું પડશે
જેથી વાહન ચાલકો, એએમટીએસ, બીઆરટીએસ અને એસટી બસ ભીમજીપુરાથી રામાપીરના ટેકરા અથવા અખબારનગર સર્કલ થઈ વ્યાસવાડીથી નેશનલ હેન્ડલુમ તરફ જઈ શકશે. આમ વાહન ચાલકોએ 500 મીટર વધુ ફરવું પડશે. આ રોડ પરથી દરરોજ 100થી વધુ એસટી બસ, 50થી વધુ એએમટીએસ અને બીઆરટીએસ તેમજ 25000થી વધુ વાહન ચાલકો પસાર થતા હોય છે.
શું છે વૈક્લ્પિક રૂટ
આ વાહનચાલકોના ટ્રાફિકને વાડજ જંકશનથી ભીમજી પુરા ચાર રસ્તા થઈ રામાપીરના ટેકરા તરફથી રાણીપ તરફ જવાના રસ્તે તેમજ વાડજ જંકશનથી ભીમજીપુરા ચાર રસ્તા થઇ અખબાર નગર સર્કલથી નેશનલ હેન્ડલુમ જંકશન તરફ જતા રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જેથી આ રસ્તા પર પસાર થતાં તમામ પ્રકારના વાહનોએ 3 ઓક્ટોબરથી રાણીપ તરફ અવર જવર માટે ડાયવર્ટ કરવામાં આવેલા રોડનો ઉપયોગ કરવાનો રહેશે.