અમદાવાદ

ગુજરાતની વતની છે આ જાંબાઝ કર્નલ સોફિયા કુરેશીઃ જાણો આ બે મહિલા અધિકારી વિશે

અમદાવાદઃ પાકિસ્તાન સામે બાથ ભીડવાની જે હિંમત ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ બતાવી હતી, તેવી જ હિંમત વડા પ્રધાન નરેન્દ્ર મોદી બતાવી રહ્યા છે. સતત રંજાડતા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો ખાત્મો બોલાવવા માટે ભારતીય સેનાને જે બળ, જુસ્સો અને શસ્ત્રસુવિધાઓ જોઈએ તે તમામ પૂરા પાડવામાં મોદી સરકાર ક્યાંય ઉણી ઉતરી નથી. દેશના દરેક નાગરિક કરતા વધારે ગર્વ ગુજરાતની જનતા અનુભવે તે સ્વાભાવિક છે, ત્યારે ગુજરાતીઓની છાતી ગજગજ ફુલે તેવું વધુ એક નામ ઑપરેશન સિંદુર બાદ ચર્ચામાં આવ્યું છે અને તે છે સોફિયા કુરેશી.

ભારતીય સેના દ્વારા પહેલગામ હુમલાના જવાબરૂપે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી અડ્ડાઓ નષ્ટ કરવામાં આવ્યા. આ વિશેની માહિતી આપવા માટે યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં બે મહિલા અધિકારીઓ પણ સૌની નજર પડી. એક કર્નલ સોફિયા કુરેશી અને બીજી વિંગ કમાન્ડર અધિકારી વ્યોમિકા સિંહ. જેમાંથી સોફિયાનો ગુજરાત સાથે નાતો છે.

સોફિયા કુરેશી મૂળ ગુજરાતનાં છે. તેમનો જન્મ 1981માં ગુજરાતના વડોદરામાં થયો હતો. તેમણે એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. સોફિયાએ બાયોકેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. ગુજરાતની રહેવાસી સોફિયા કુરેશી ભારતીય સેનાના સિગ્નલ કોર્પ્સમાં અધિકારી છે. આ પદ પર પહોંચનારા તેઓ પહેલા મહિલા છે. સોફિયા કુરેશીએ મેજર તાજુદ્દીન કુરેશી સાથે લગ્ન કર્યા, જે આર્મીના મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રીમાં સેવા આપે છે. સોફિયા નવ વર્ષના પુત્રનાં માતા પણ છે. ઘણા અઘરા મિશન પાર પાડનારી સોફિયાના દાદા આર્મીમાં હતા અને પિતાએ પણ અમુક સમય માટે આર્મીમાં સેવા આપી હતી. 2006માં યુએનમાં તે પિસકિપિંગ મિશન અંતર્ગત કાંગોમાં તહેનાત હતી.

2016 માં, લેફ્ટનન્ટ કર્નલ તરીકે પોસ્ટેડ સોફિયા કુરેશીએ એક્સરસાઇઝ ફોર્સ 18 માં ભારતની 40-સભ્યોની લશ્કરી ટુકડીનું નેતૃત્વ કર્યું હતું. તે કોઈપણ બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયતમાં લશ્કરી ટુકડીનું નેતૃત્વ કરનારી પ્રથમ ભારતીય મહિલા અધિકારી બની. આ કવાયત માત્ર ભારતની સૌથી મોટી બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત નહોતી, પરંતુ 18 દેશોની સેનાઓએ તેમાં ભાગ લીધો હતો. એશિયા ઉપરાંત આ દેશોમાં જાપાન, અમેરિકા, ચીન, રશિયા, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા દિગ્ગજોનો સમાવેશ થતો હતો.

વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ

કુરેશી સાથે બીજી જે જાંબાઝ મહિલા અધિકારી દેખાઈ તે વ્યોમિકા સિંહ. ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ એક અનુભવી હેલિકોપ્ટર પાઇલટ છે. તેણીને 2,500 કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે અને તેણે તમામ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિઓમાં ઉડાન ભરી છે. પર્વતો, રણ, જંગલો, દરેક જગ્યાએ. વ્યોમિકા માત્ર ટેકનિકલી નિપુણ નથી, પરંતુ ઓપરેશનલ મોરચે પણ પોતાના કૌશ્લયો પુરવાર કરી ચૂકી છે. સેનાની આ બે મહિલાઓ જ નહીં દેશને કાજે સૌથી અઘરી સેવા આપતી ત્રણેય વિંગની તમામ મહિલાઓ ખરી પ્રેરણામૂર્તિ છે.

આ પણ વાંચો….ભારતે ઓપરેશન સિંદૂરમાં 25 મિનિટમાં 21 સ્થળો પર હુમલા કર્યા, નાગરિકોને કોઇ નુકસાન નહિ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button