અમદાવાદઇન્ટરનેશનલ

દેશવાસીઓ, હવેથી આ બે દેશોમાં ફરવા જતા પહેલા સો વાર વિચારજો, તેમણે ભારતને નહીં…

અમદાવાદઃ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ભરેલી સ્થિતિ છે. પહેલગામ ફરવા ગયેલા પ્રવાસીઓ પર આતંકીઓએ હુમલો કરી ભારતની શાંતિની પરીક્ષા લીધી છે. ભારત પાસે વળતો પ્રહાર કરવા સિવાય કોઈ વિકલ્પ ન છોડતા હવે પાકિસ્તાન ભારતના ઑપરેશન સિંદૂર સામે ટકવા મથી રહ્યું છે. રોજ વાર કરે છે અને રોજ હારે છે. સરહદો પર આપણી સેનાના જવાનો તેમને જડબાતોડ જવાબ આપી રહ્યા છે ત્યારે નાગરિક તરીકે આપણે પણ અમુક બાબતો પર વિચાર કરવાની જરૂર છે.

પહેલગામ હુમલા બાદ તમામ દેશોએ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને વખોડ્યો છે અને ભારતની પડખે ઊભા છે, પણ બે દેશ એવા છે જે પાકિસ્તાનને સમર્થન આપે છે. તે છે તુર્કીયે અને અઝરબૈજાન. આ બન્ને દેશનો બહિષ્કાર કરવાનું સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યારે એ જાણવાની જરૂર છે કે આપણે આ બે દેશોને જાણતા-અજાણતા કેટલી કમાણી કરી અપાવી છે.

ભારતીયો આ બે દેશોમાં ઠાલવે છે કરોડો રૂપિયા


છેલ્લા પાંચ-સાત વર્ષોથી વિદેશમાં ફરવા જનારાની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. દેશનો બહુ મોટો વર્ગ વિદેશ ફરવા જાય છે. આ દેશોની યાદીમાં તુર્કીયે અને અઝરબૈજાન પણ છે. અહીં ફિલ્મોના શૂટિંગ પણ મોટા પ્રમાણમાં થાય છે. ભારતનો મીડલ ક્લાસ પોતાની વર્ષભરની મહેનતનો એક મોટો હિસ્સો ટૂરિઝમમાં નાખે જેનો ફાયદો આ બે દેશોએ પણ ભરપૂર લીધો છે.

આ અંગેના આંકડા ભાજપના ફોરેન રિલેશન્સના ગુજરાતના કન્વેનર દિગંત સોમપુરાએ આપ્યા છે. નેશનલ એજન્સી પાસેથી તેમણે મેળવેલા ડેટા અનુસાર વર્ષ 2024માં તુર્કીયે ફરવા ગયેલા ભારતીયોની સંખ્યા 2.75 લાખ હતી અને 2.5 લાખ ભારતીયો અઝરબૈજાનના બાકુ ફરવા ગયા હતા. 2022થી 2024 દરમિયાન ભારતીય પર્યટકોની સંખ્યામાં 68 ટકાનો વધારો નોંધાયો હતો. અહીં અઝરબૈઝાનમાં ભારતીયો સરેરાશ 4-6 દિવસ રોકાયા હતા અને તુર્કીયેમાં 7-10 દિવસ રોકાયા હતા.

અઝરબૈજાનની અર્થવ્યવસ્થામાં ભારતીયોએ લગભગ રૂ. 1000થી 1,250 કરોડ એક વર્ષમાં આપ્યા છે. આવી જ રીતે તુર્કીયેની અર્થવ્યવસ્થામાં રૂ. 2,900થી 3,350 કરોડ દર વર્ષે રેડાય છે. ઈસ્તંબુલ, કેપ્પાડોશિયા અને એન્ટાલિયામાં ભારતીયો મોટી સંખ્યામાં ફરવા જાય છે. ફિલ્મો પણ ઘણી શૂટ થાય છે.

મધ્યમવર્ગીય ભારતીયો પણ હવે વિદેશ ફરવા જાય છે. બન્ને દેશો ભારતીયોને આકર્ષે છે અને તે માટે વિઝાની સુવિધાઓમાં પણ ઘણી રાહતો આપી છે. મોટાભાગની એરલાઈન્સ પણ બાકુ અને ઈસ્તંબુલની ઘણી ફ્લાઈટ્સ ઓફર કરે છે. ભારતીયોને લીધે અહીં તુર્કીયે અને અઝરબૈજાનમાં 20,000 કરતા વધારે રોજગારી મળી છે અને 45,000થી 60,000 જેટલી પરોક્ષ રોજગારી ઊભી કરે છે. તુર્કીયેના હૉસ્પિટાલિટી, લક્ઝરી આઈટમ્સ, મનોરંજન, મેડિકલ ટુરિઝમ સહિતના કારણોને લીધે ભારતીયો આ દેશોની મુલાકાત લે છે. અહીંના હૉસ્પિટાલિટી સેક્ટરમાં ભારતનું રોકાણ લગભગ 35 ટકા આસપાસ વધ્યું છે.
હવે આ બન્ને દેશોએ પાકિસ્તાનને સપોર્ટ કર્યો છે.

પહેલગામ ટેરર અટેકની તટસ્થ તપાસની માગણીને પણ તેમણે સપોર્ટ કર્યો હતો. આથી ભારતીયો જ્યારે પોતની ફોરેન ટુર્સ પ્લાન કરે ત્યારે આ બે દેશોને બાકાત રાખે તો તેમના ટૂરિઝમને ભારે ફટકો પડી શકે તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે રિપોર્ટેસ અનુસાર પાકિસ્તાન જે ડ્રોન દ્વારા ભારતને કનડવાની નિષ્ફળ કોશિશ કરે છે તે ડ્રોન તુર્કીયેએ પાકિસ્તાનને આપ્યા છે.

દરેક દેશ માટે તેની અર્થવ્યવસ્થાને સંભાળવી ઘણી જરૂરી છે અને આ બન્ને દેશોની અર્થવ્યવસ્થામાં આપણો ઘણો મોટો ફાળો છે, પરંતુ આપણા દેશના લોકોના જીવ અને આપણા સર્વભૌમત્વના રક્ષણ કાજે જો આ બન્ને દેશો આપણી સાથે ન ઊભા રહે તો આપણે ચોક્કસ વિચારવાની જરૂર છે.

આ પણ વાંચો…Operation Sindoor: ભારતના હુમલા પછી પાકિસ્તાન એલર્ટ, અમેરિકાએ આપી પ્રતિક્રિયા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button