અમદાવાદમાં સરખેજના રોજા ખાતે ચોરીની ઘટના: ફરિયાદ પછી પોલીસ એક્શનમાં

અમદાવાદ: યુનેસ્કોએ 2017માં અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો આપ્યો છે. અમદાવાદમાં સચવાયેલા જુદાજુદા ઐતિહાસિક સ્થળો શહેરની ઓળખ છે. પરંતુ આ અમદાવાદની ઐતિહાસિક ધરોહરોને લાંછન લગાડે એવી ઘટના સામે આવી છે. કારણ કે ઐતિહાસિક સરખેજના રોજા ખાતે ચોરીની ઘટના સામે આવી છે.
સરખેજ રોજાનો કળશ ગાયબ થયો
સરખેજના રોજની મુખ્ય દરગાહની ટોચ પર આવેલા ગુંબજ પર સોનાના ત્રણ કળશ હતા. તાજેતરમાં આ ત્રણ કળશ પૈકી એક કળશ ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. આ વાતની જાણ થતા સરખેજ રોઝા કમિટીમાં છેલ્લા 10 વર્ષથી સેક્રેટરી તરીકે ફરજ બજાવતા નિઝામ હરી ખાન સિદ્દીકી ઉર્ફે બબલુ ખાન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
સરખેજ પોલીસે નોંધી ચોરીની ફરિયાદ
સરખેજ રોઝા કમિટીના સેક્રેટરીએ જોયું કે, ગુંબજની આસપાસ તાંબા-પિત્તળનો કળશ અને પાંદડું હતું નહીં, જેથી તેમણે સરખેજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. સરખેજ પોલીસે ફરિયાદના આધારે કળશની શોધખોળ શરૂ કરી છે.
સલ્તનતકાળનો વારસો છે સરખેજનો રોજો
ઉલ્લેખનીય છે કે, સરખેજના રોજા ખાતે ગુજરાતના સુલતાન મહેમૂદ બેગડા અને તેની બેગમો તથા તેના સલાહકાર અને અમદાવાદનો પાયો નાખનાર પાંચ ઓલિયા અહમદો પૈકીના શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષની કબર પણ આવેલી છે. આ રોજો તેની સ્થાપત્ય શૈલી માટે જાણીતો છે.