અમદાવાદ

અમદાવાદના રિવરફ્રન્ટ પર બદલાશે નજારો: સાબરમતી નદી સુકાશે, જાણો કારણ

અમદાવાદ: અમદાવાદમાંથી વહેતી સાબરમતી નદી આગામી દિવસોમાં સંપૂર્ણપણે ખાલી કરવામાં આવશે. આ નિર્ણય પાછળનું કારણ એ છે કે રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા વાસણા બેરેજના દરવાજાના સમારકામ અને ઉપરવાસમાં માટીના રેમ્પની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ મહત્વપૂર્ણ કામગીરી આગામી 12 મે થી શરૂ થઈને 5 જૂન સુધી ચાલશે.

વાસણા બેરેજનું સમારકામ

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે (SRFDCL) આ અંગે એક સત્તાવાર યાદી જાહેર કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે વાસણા બેરેજની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચોમાસા પૂર્વે જરૂરી સમારકામના ભાગરૂપે બેરેજના દરવાજાનું રિપેરિંગ કરવામાં આવશે. આ કામગીરી 12 મે થી 5 જૂન દરમિયાન હાથ ધરાશે. તે ઉપરાંત વાસણા બેરેજના ઉપરવાસમાં માટીનો રેમ્પ બનાવવાની કામગીરી પણ શરૂ થવાની છે, જેના માટે નદીને સંપૂર્ણપણે ખાલી કરવી જરૂરી છે.

સુભાષ બ્રિજથી લઈને વાસણા બેરેજ સુધીનો વિસ્તાર થશે સૂકો

આ સમયગાળા દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે નદીના પટને સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે નદીના પટને સ્વચ્છ કરવાની આ કામગીરીમાં જનભાગીદારીને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. આ કામગીરીને કારણે સુભાષ બ્રિજથી લઈને વાસણા બેરેજ સુધીનો સમગ્ર નદીનો વિસ્તાર લગભગ પાણી વિનાનો થઈ જશે.

ઉલ્લેખનીય છે કે સુભાષ બ્રિજ નજીક સાબરમતી નદી પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પણ ચાલી રહી છે. આથી, સુભાષ બ્રિજથી આગળના નદીના પટથી લઈને વાસણા બેરેજ સુધીનો વિસ્તાર ખાલી કરવામાં આવશે.

આ પણ વાંચો…..ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ, આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button