
અમદાવાદ: ગુજરાતમાં જુલાઈમાં મહિનામાં મન મૂકી વરસી રહેલા વરસાદનો હવે મિજાજ બદલાઈ રહ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધીરે ધીરે તાપમાન ઊંચુ જઈ રહ્યું છે. વરસાદની તીવ્રતા ઘટી છે તો બીજી બાજુ બફારાનું પ્રમાણ વધ્યું છે. હાલ ભારતમાં બે મજબૂત સિસ્ટમો બનેલી છે અને તેના કારણે દેશના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. પરંતુ ગુજરાતમાં ગઈકાલે વરસાદે વિરામ લીધો હતો. 24 કલાકમાં માત્ર 20 જિલ્લાના 62 તાલુકામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં વરસાદે પુરાવી હાજરી
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે 15 જુલાઈ 6 વાગ્યાથી 16 જુલાઈ 6 વાગ્યા સુધીમાં માત્ર 20 જિલ્લાના 62 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં 2.72 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે બનાસકાંઠાના પાલનપુરમાં 2.2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે મહિસાગરના લુણાવાડા, નવસારીના વાંસદામાં 1.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તો બનાસકાંઠાના દાંતામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે ગુજરાતભરમાં અત્યાર સુધીમાં સરેરાશ 51.09 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ પ્રમાણે ભારતમાં બે જ વરસાદ સિસ્ટમ સક્રિય હોવાથી દેશમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધવામાં આવશે. જ્યારે ઝારખંડ અને તેની આસપાસના વિસ્તારોમાં એક ડિપ્રેશન બન્યું હતું જે આગળ વધતાની સાથે હવે થોડું નબળું પડ્યું છે. આ સિસ્ટમ ઉત્તર પ્રદેશની દિશામાં આગળ વધવાની શક્યતા છે. જેની અસર ગુજરાતને થવાની શક્યતા નહીંવત છે. આ ઉપરાંત રાજસ્થાન પર એક મજબૂત સિસ્ટમ બનેલી છે. આ સિસ્ટમને કારણે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે રાજ્યમાં ભારે વરસાદ થાય તેવી આગાહી નથી.
હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં આજથી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ થાય તેવી શક્યતા છે. રાજ્યમાં ફરીથી 23 જુલાઈની આસપાસ વરસાદનું જોર વધવાની શક્યતા દેખાઈ રહી છે. એ સમયે ફરીથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે. હાલ ગુજરાતમાં પાંચ દિવસ સુધી વરસાદનું જોર ઘટી જશે. 16મી જુલાઈથી 21મી જુલાઈ સુધીમાં ક્યાંય પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી.