અમદાવાદના વિરાટ નગરમાં છરી વડે બિલ્ડર પર હુમલો કરીને હત્યારા થયા ફરાર, સારવાર દરમિયાન નિપજ્યું મોત

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ શહેરમાં ગુનાખોરી વધી રહી હોય એવું લાગી રહ્યું છે. વેબ સીરિઝમાં બતાવાતા જાહેરમાં હત્યાના દૃશ્યો અમદાવાદ શહેરમાં પણ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં એક બિલ્ડરની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. જેને લઈને શહેરમાં ચકચાર મચી ગઈ છે.
વિરાટ નગર વિસ્તારમાં બિલ્ડરની હત્યા
વિરાટ નગર વિસ્તારમાં એક ગંભીર ગુનાનો બનાવ સામે આવ્યો છે. વિરાટ નગર ચાર રસ્તા પાસે અજાણ્યા હુમલાખોરો છરી લઈને આવ્યા હતા. હુમલાખોરોએ હિમ્મત રુડાણી નામના બિલ્ડરને સરાજાહેર છરીના ઘા મારીને ગંભીર ઈજા પહોંચાડી હતી. હુમલા બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. જાહેર જગ્યાએ બનેલી આ ઘટનાથી જેનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બિલ્ડર હિમ્મત રુડાણીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ઓઢવ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.આ હત્યા પાછળ અંગત અદાવત, પ્રોપર્ટીનો વિવાદ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે જાણવા ઓઢવ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, સરાજાહેર બનેલી હત્યાની આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા કર્યા છે. લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને તેઓ પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરીને હત્યારાઓને પકડવામાં આવે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.
આપણ વાંચો: અમદાવાદઃ નારોલમાં વીજકરંટ લાગતા દંપતીના મોત કેસમાં 5 લોકોની ધરપકડ