BZ કૌભાંડઃ એક કરોડનું કમિશન લેનારા શિક્ષકની સ્કૂલમાંથી કરી ધરપકડ
અમદાવાદઃ 6 હજાર કરોડના માનવામાં આવતા બીઝેડ કૌભાંડમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાની વધુ એક ઠગાઈ કેસમાં ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ કેસમાં સીઆઈડી ક્રાઈમ મેઘરજના ભેમાપુર પ્રાથમિક શાળાના શિક્ષક વી.ડી. પટેલને તપાસ માટે શાળામાંથી ઉઠાવીને ગાંધીનગર પૂછપરછ માટે લઈ ગઈ હતી.
આ એજન્ટ શિક્ષકે આ કૌભાંડમાં 1300 લોકો પાસે 70 કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને 1 કરોડથી વધુ કમિશન મેળવ્યું હતું. પોલીસે શિક્ષકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ચાલુ ફરજે શાળામાંથી ઉઠાવ્યો
આ કેસમાં સીઆઈડી ક્રાઈમે ઘરજની ભેમાપુર પ્રાથમિક શાળાના શિક્ષક વી.ડી.પટેલને ચાલુ ફરજે શાળામાંથી ઊઠાવી લીધો હતો અને ગાંધીનગર લાવીને તેની પુછપરછ કરાઈ હતી. તેણે પૂછપરછમાં આ કૌભાંડમાં 1300 લોકો પાસેથી 70 કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને 1 કરોડ રૂપિયાથી વધુનું કમિશન મેળવ્યું હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું હતું.
આપણ વાંચો: BZ કૌભાંડની તપાસમાં ચોંકાવનારા ખુલાસા: 11,000 લોકોનું રોકાણ અને 3 ક્રિકેટર સામેલ…
શિક્ષક બીઝેડ ગ્રૂપમાં એજન્ટની ભૂમિકા
આ શિક્ષકે અગાઉ બીઝેડ ગ્રૂપમાં એજન્ટની ભૂમિકા ભજવીને મોંઘીદાટ મર્સીડીઝ બેન્ઝ કાર ગીફ્ટ મેળવી હતી. તેણે અગાઉ ગીફટ લેતા વાયરલ થયેલા વીડિયોને પગલે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કારણદર્શક નોટિસ પણ અપાઈ હતી.
સીઆઈડી દ્વારા બીઝેડ કૌભાંડમાં વધુ તપાસ અર્થે જિલ્લાના મેઘરજના ઈસરી ગામના વિનુભાઈ ધર્માભાઈ પટેલની અટકાયતથી આ બીઝેડ ગ્રુપના અન્ય એજન્ટો જે થોડાક સમયથી બજારોમાં ફરી રહ્યા હતા તે પૈકીના કેટલાક ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ હતી. આ શિક્ષકે બીઝેડની ટુરમાં વિદેશ પ્રવાસ કર્યો હોવાની પણ ચર્ચાઓએ પણ જોર પકડ્યું હતું.