અમદાવાદ

ટ્રમ્પના ટેરિફને લીધે હીરો વધુ ઝાંખો પડ્યોઃ નિકાસમાં પ્રતિ કેરેટે રૂ.2 લાખ સુધીનો વધારો

અમદાવાદઃ ગુજરાતનો ડાયમંડ ઉદ્યોગ ભયાનક આર્થિક મંદીનો સામનો કરી રહ્યો છે, તેમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 26 ટકા જેટલા ટેરિફની જાહેરાત પરિસ્થિતી વધુ ચિંતાજનક બની છે. હીરાની નિકાસ પર પહેલાં 0 ટકા ટેરિફ હતો, હવે સીધો જ 26 ટકા કરી નાખવાના કારણે અમેરિકામાં નેચરલ ડાયમંડની નિકાસમાં પ્રતિ કેરેટે 2 લાખ રૂપિયા સુધીનો વધારો થઈ ગયો છે અને લેબગ્રોનમાં 2,635 રૂપિયાનો વધારો થઈ ગયો છે.

નોંધવા જેવી બાબત એ છે કે, ભારતથી જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્ર કુલ રૂપિયા 2.92 લાખ કરોડની વિદેશમાં નિકાસ કરે છે. ભારતથી આ ઉદ્યોગનો લગભગ 35 ટકા માલ માત્ર અમેરિકામાં નિકાસ થાય છે અને દક્ષિણ ગુજરાત જેમ્સ અને જ્વેલરી માટે મહત્ત્વના કેન્દ્ર તરીકે ઓળખાય છે, જે દેશના જેમ્સ એન્ડ જ્વેલરીનું 90 ટકા ઉત્પાદન કરે છે અને લગભગ 2 લાખ લોકો આ ઉદ્યોગમાં કાર્યરત છે.

અમેરિકાએ પોલિશ્ડ હીરા પર ડ્યૂટી 0 ટકાથી વધારીને 26 ટકા, લેબગ્રોન હીરા પર 0 ટકાથી 26 ટકા, અને ગોલ્ડ જ્વેલરી પર 5.5 ટકાથી 7 ટકા વધારીને 31.5 ટકાથી 33 ટકા નક્કી કરી છે. આ ઉપરાંત સિલ્વર જ્વેલરી અને જેમસ્ટોન જ્વેલરી પર વર્તમાન ડ્યૂટી 5 ટકાથી 6 ટકા અને 31 ટકાથી 32 ટકા સુધી વધારવામાં આવી છે. આ ફેરફારો ભારતીય નિર્માતાઓ અને નિકાસકારો માટે ગંભીર પડકારો ઊભા કરી શકે છે.

આ પણ વાંચો: ટેરિફ વોરથી અમેરિકન શેરબજાર કકડભૂસ, ડોનાલ્ડ ટ્રમ્પે નિર્ણયનો બચાવ કરીને વ્યક્ત કર્યો આ આશાવાદ…

ડાયમંડ ઉદ્યોગના વેપારીઓના જણાવ્યા મુજબ થોડાઘણા અંશે લેબગ્રોન ડાયમંડના કારણે સ્થિતિ સચવાઈ હતી, પરંતુ હવે ટેરિફ લાગુ થતાંની સાથે જ ડાયમંડ ઉદ્યોગ કેવી રીતે સુરક્ષિત રહેશે એને લઈને સૌ કોઈ ચિંતામાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button