સમયસર બ્લાઉઝ ન સીવવું CG રોડના દરજીને મોંઘું પડ્યું: ગ્રાહક અદાલતે ફટકાર્યો રૂ. 7000નો દંડ | મુંબઈ સમાચાર
અમદાવાદ

સમયસર બ્લાઉઝ ન સીવવું CG રોડના દરજીને મોંઘું પડ્યું: ગ્રાહક અદાલતે ફટકાર્યો રૂ. 7000નો દંડ

અમદાવાદ: આવ ભાણા આવ! પ્રાથમિક શાળાના અભ્યાસ દરમિયાન શાહબુદ્દીન રાઠોડનો આ પાઠ ઘણા લોકો ભણ્યા હશે. આ પાઠમાં એક બાળક મોચી પાસે બુટ સીવડાવવા મૂકે છે. પરંતુ મોચી તે બાળકને વાયદા પર વાયદા કર્યા કરે છે અને બુટ સીવવામાં મોડું થાય છે.

જોકે, આવો જ પરંતુ જરા હટકે કહી શકાય એવો એક કિસ્સોમાં અમદાવાદમાં સામે આવ્યો છે. એક દરજીને સમયસર બ્લાઉઝ ન સીવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. આવો જાણીએ સમગ્ર મામલો શું છે.

આપણ વાચો: વધુ ઝડપે બસ ચલાવવા બદલ એસટીને 6 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો…

વાયદા પ્રમાણે બ્લાઉઝ ન સીવાયો

અમદાવાદના સી.જી. રોડ પર ‘સોનીઝ ધી ડિઝાઇનર શોપ’ નામની દુકાન આવેલી છે. આ દુકાનમાં પુનમબેન પારીયા નામની મહિલાએ એક 24 ડિસેમ્બર 2024ના રોજ લગ્નમાં જવાનું હોવાથી 8 નવેમ્બર 2024ના રોજ બ્લાઉઝ સીવવાનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડરની સાથોસાથ બ્લાઉઝની સીલાઈની રૂ. 4, 395 કિંમત પણ ચૂકવી હતી.

આ સમયે દુકાનમાંથી તેઓને 14 ડિસેમ્બર 2024ના રોજ બ્લાઉઝ તૈયાર થઈ જશે એવું કહેવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે પુનમબેન આપેલ વાયદાની તારીખે બ્લાઉઝ લેવા ગયા ત્યારે બ્લાઉઝ તૈયાર ન હતો. જેને લઈને પુનમબેને દુકાનના માલીકને નોટિસ આપી હતી. પરંતુ દુકાનના માલીક દ્વારા તેનો કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો.

આપણ વાચો: GT સામે હાર બાદ RRને વધુ એક મોટો ઝટકો; કેપ્ટન સહીત આખી પ્લેઈંગ-11ને દંડ ફટકારવામાં આવ્યો

ગ્રાહક અદાલતમાં પુનમબેને કરી ફરિયાદ

આમ, પોતાની સમસ્યાના નિવારણ માટે પુનમબેન પારીયાએ ગ્રાહક અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી. પોતાની ફરિયાદમાં પુનમબેને ‘સોનીઝ ધી ડિઝાઇનર શોપ’ની સેવામાં વિલંબ બદલ બ્લાઉઝની સીલાઈ રૂ. 4,395 તથા પોતાને ભોગવવા પડેલા માનસિક ત્રાસનું વળતર તથા કાનૂની ખર્ચની માંગણી કરી હતી.

ફરિયાદની સાથોસાથ પુનમબેને બ્લાઉઝની સીલાઈની રકમની પહોંચ, પસંદ કરેલ ડીઝાઈનના ફોટોગ્રાફ, લગ્નની કંકોત્રી અને ‘સોનીઝ ધી ડિઝાઇનર શોપ’ને આપેલી નોટીસ પુરાવારૂપે રજૂ કરી હતી.

દુકાનદારને વ્યાજ સાથે રકમ ચૂકવવાનો આદેશ

પુનમબેનની ફરિયાદનું તાજેતરમાં અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા નિવારણ લાવવામાં આવ્યું હતું. ફરિયાદના આધારે કમિશને ‘સોનીઝ ધી ડિઝાઇનર શોપ’ને પુનમબેન પારીયાને 8 નવેમ્બર 2024થી રૂ. 4, 395ને વાર્ષિક 7 ટકાના વાર્ષિક સાદા વ્યાજ સાથેની રકમ ફરિયાદનું નિવારણ થવાની તારીખથી 45 દિવસમાં ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ સાથે માનસિક ત્રાસના વળતરરૂપે 5,000 તથા કાનૂની ખર્ચરૂપે રૂ. 2,000 ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button