ગુજરાત પોલીસને મળી મોટી સફળતા, ત્રણ સિરિયન નાગરિક ઝડપાયા…

અમદાવાદઃ પીએમ મોદીના ગુજરાત પ્રવાસ પહેલા પોલીસને મોટી સફળતા મળી હતી. કોલકાતાથી રોડ માર્ગે ગુજરાતમાં આવેલા છ શંકાસ્પદ સિરિયન નાગરિકો પૈકી ત્રણને પોલીસે ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા લોકો ગાઝામાં યુદ્ધગ્રસ્ત લોકો માટે દાન એકત્રિત કરવાનો દાવો કરતા હતા. બાકીના ત્રણ ફરાર થઈ ગયા હતા. જેમને હસ્તગત કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.
પોલીસને કેવી રીતે ગઈ શંકા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એક મહિના પહેલા સિરિયન નાગરિકો ટુરિસ્ટ વિઝા પર આવ્યા હતા. તેઓ ગાઝામાં યુદ્ધ દરમિયાન થયેલી તબાહી માટે ડોનેશન માંગતા હતા.
જોકે, તેમની પ્રવૃત્તિ શંકાસ્પદ હતી. તેમજ શારીરિક બાંધો સૈનિક જેવો હતો અને તેઓ અરબી ભાષામાં વાત કરતા હોવાથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને તેમના પર શંકા ગઈ હતી.
અમદાવાદની થ્રી સ્ટાર હોટલમાં રોકાયા હતા
એક શંકાસ્પદ નાગરિકના શરીર પર ગોળી વાગ્યાનું નિશાન પણ જોવા મળ્યું હતું. આ ઉપરાંત, પોલીસે શોધી કાઢ્યું કે તેમણે દાનમાં ભેગા કરેલા પૈસામાંથી 3,400 ડોલર (લગભગ ૩ લાખ રૂપિયા) દુબઈ ટ્રાન્સફર કર્યા હતા. આ બધી વિગતોના આધારે પોલીસે તેમની અટકાયત કરી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તમામ છ સિરિયાથી અલગ અલગ ફ્લાઈટમાં પહેલાં લેબનાન આવ્યાં અને ત્યાંથી એક સાથે અલગ અલગ ફ્લાઈટમાં બેસીને કોલકાતા સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં ઉતર્યા હતા. ત્યાંથી રોડ માર્ગે તમામ અમદાવાદ આવ્યાં હતા.
અમદાવાદ આવીને દાન ઉઘરાવવા માટે તેઓ થ્રી સ્ટાર હોટલમાં રોકાયા હતા જે વાત પણ પોલીસને શંકાસ્પદ લાગી રહી હતી. સૂત્રોના કહેવા મુજબ, ટુરીસ્ટ વિઝા પર આવ્યાં બાદ તે લોકો આવી કોઈ પ્રવૃતિ કરી શકે નહીં. તેમણે હાલ વિઝા નિયમોનું ઉલ્લંઘન તો કર્યું જ છે. આ ઉપરાંત તેમણે અહીં કોની સાથે મુલાકાત કરી હતી અને તેમનો શું હેતુ હતો તેની તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો…પીએમ મોદી અમદાવાદ અને ગાંધીનગરને રૂપિયા 2548 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે