ગુજરાત સરકારની મોટી કાર્યવાહી, 55 લાખ શંકાસ્પદ રેશન કાર્ડ ધારકોને નોટિસ ફટકારાઈ | મુંબઈ સમાચાર

ગુજરાત સરકારની મોટી કાર્યવાહી, 55 લાખ શંકાસ્પદ રેશન કાર્ડ ધારકોને નોટિસ ફટકારાઈ

ગુજરાતમાં વાઇબ્રન્ટ વિકાસની વાતો વચ્ચે એક ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે. રાજ્યમાં રેશન કાર્ડ પર થી ગરીબોને સસ્તા અનાજ આપવાની યોજના ચાલી રહી છે. ગુજરાતના લાખો જરૂરીયાતમંદો લોકો આ યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે. આ વચ્ચે અન્ન પુરવઠા વિભાગે રેશનકાર્ડનું ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસમાં લગભગ 55 લાખ શંકાસ્પદ રેશનકાર્ડ હોવાનો ખુલાસો થયો છે. જેમાં આર્થિક રીતે સમૃદ્ધ લોકો પણ ગરીબો માટેની યોજનાઓનો લાભ લઈ રહ્યા હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાએ ગરીબોના હક્કના અનાજના દુરુપયોગનો મુદ્દો ચર્ચામાં લાવ્યો છે.

સૂત્રોની જાણકારી પ્રમાણે અન્ન પુરવઠા વિભાગની તપાસમાં જાણવા મળ્યું કે, રાજ્યમાં કુલ 3.60 કરોડ એનએફએસએ (નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ) રેશનકાર્ડધારકો છે, જેમાંથી 55 લાખ કાર્ડ શંકાસ્પદ છે. આમાંથી પ્રથમ તબક્કામાં 15.66 લાખ કાર્ડને નોન-એનએફએસએમાં બદલવાનો નિર્ણય લેવાયો છે. ચોંકાવનારી વાત એ છે કે, જમીનદારો, કંપની ડિરેક્ટરો અને 25 લાખનું ટર્નઓવર કરનારા લોકો પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આવા 5467 કંપની ડિરેક્ટરો અને 2000 ઉચ્ચ આવક ધરાવતા લોકો પણ રેશનકાર્ડ ધરાવે છે.

તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, મૃત વ્યક્તિઓના નામે પણ રેશનકાર્ડ દ્વારા અનાજ લેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, 3500થી વધુ લોકો બીજા રાજ્યોમાં પણ રેશનકાર્ડ ધરાવે છે, અને 22000 કાર્ડ ડુપ્લિકેટ નામો ધરાવે છે. આવા કાર્ડધારકોને અન્ન પુરવઠા વિભાગે નોટિસ આપીને ખુલાસો માગ્યો છે. જો ખુલાસો સંતોષકારક નહીં હોય તો તેમના કાર્ડ નોન-એનએફએસએમાં બદલાશે, જેનાથી મફત અનાજનો લાભ બંધ થઈ જશે.

ગુજરાતમાં 2022-23માં 3.45 કરોડ લોકો મફત અનાજ મેળવતા હતા, જે 2025માં વધીને 3.65 કરોડ થઈ ગયા છે. છેલ્લા બે વર્ષમાં 20 લાખ લોકોનો વધારો થયો છે, જે રાજ્યની ગરીબીની સ્થિતિને દર્શાવે છે. સરકારે મફત અનાજ વહેંચીને લોકપ્રિયતા મેળવી, પરંતુ હવે શંકાસ્પદ કાર્ડ રદ કરીને પણ પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટનાએ ગરીબોના હકનું અનાજ ખરેખર કોને મળે છે તેવો સવાલ ઉભો કર્યો છે.

અન્ન પુરવઠા વિભાગે શંકાસ્પદ રેશનકાર્ડની તપાસ માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ કમિટીઓ રચી છે. આ કમિટીઓ ખુલાસાની તપાસ કરશે અને પાત્રતા નક્કી કરશે. જો કોઈ કાર્ડધારક પાત્ર નહીં જણાય તો તેમનું કાર્ડ રદ થશે. સવાલ એ છે કે આવા કાર્ડ કઈ રીતે બન્યા અને તેની જવાબદારી કોની છે? ગરીબોના અનાજનો દુરુપયોગ કરનારાઓ સામે કડક પગલા લેવાની જરૂર છે, જેથી ખરેખર જરૂરિયાતમંદોને લાભ મળી શકે.

આપણ વાંચો:  ગુજરાતમાં ફરી જામશે મેહૂલિયો! જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button