સમાજમાં વૃદ્ધ માતાપિતાની માનસિક સ્થિતિ મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કર્યો સર્વેઃ જાણો ચોંકાવનારા તારણો
અમદાવાદ: આજના સમયમાં શિક્ષણ, ધંધા વ્યવસાય વગેરે માટે પરિવારો તુટી રહ્યા છે અને તેની સીધી અસરો માનસિક સમસ્યાઓનાં રૂપે સમાજમાં જોવા મળી રહી છે.
ત્યારે પરિવારથી દૂર રહેતા, માતાપિતાને સમય નહિ ફાળવી શકતા કે રજાઓ અને વેકેશન દરમિયાન પણ પરિવાર સાથે સંપર્ક ન જાળવી શકનારા સંતાનોનાં લીધે માતાપિતા પણ ગંભીર માનસિક અસરો થાય છે. એકતરફ યુવાનો ગામ હોય કે શહેર કે વિદેશમાં રોજગારી માટે જઈ રહ્યા છે તો બીજી તરફ વૃદ્ધ માતાપિતાઓને તેની ચિંતા કોરી ખાઈ રહી છે. તો આ સ્થિતિ માટે જવાબદાર કોણ?
2340 વૃદ્ધો પર સર્વે
તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં મનોવિજ્ઞાન ભવન દ્વારા પરિવારથી દૂર રહેતા સંતાનોથી માતાપિતાની માનસિક સ્થિતિ પર થતી અસરો વિશે એક સર્વેમાં સામે આવ્યું છે કે વૃદ્ધોને જેટલો ડર શારીરિક સમસ્યાઓનો નથી એટલો ડર સંતાનો દૂર જતા રહે તેનો છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા લગભગ 2340 વૃદ્ધ પર સર્વે કરવામાં આવ્યો હતો.
ચિંતા વિકૃતિઓ અને વૃદ્ધત્વ
આ મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં મનોવૈજ્ઞાનિક ભવનનાં અધ્યક્ષ પ્રોફેસર જોગસન અને પ્રોફેસર ડો. દોશીએ જણાવ્યું હતું કે મોટી વયના લોકો ચિંતાના લક્ષણો દર્શાવી શકે છે જે તેમની સામાન્ય કામગીરી પર વાસ્તવિક અસર કરે છે. સામાન્યકૃત અસ્વસ્થતા ડિસઓર્ડર અને ચોક્કસ ફોબિયા એ સૌથી વધુ પ્રચલિત ગભરામણના વિકાર છે.
25 ટકા વૃદ્ધો ડિપ્રેશનથી પીડાય છે
સર્વેમાં જાણવા મળ્યું કે લગભગ 25 ટકા વૃદ્ધ માતાપિતા ચિંતા અથવા ડિપ્રેશન જેવી માનસિક સ્વાસ્થ્ય સ્થિતિથી પીડાય છે. 91.6 ટકા વૃદ્ધ માતાપિતાએ કહ્યું કે મોબાઈલ કે ટીવી જોવા અથવા વાંચવાથી માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. અંદાજે 54 ટકા જેટલા માતાપિતા ભૌતિક સુખ સુવિધાઓની સમસ્યાઓનો અનુભવ કરે છે.
આપણ વાંચો: સારા માનસિક સ્વાસ્થ્ય માટે વર્ક ફ્રોમ હોમ કે ઓફિસ વર્ક? રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
સયુંકત પરિવાર તૂટતાં હોવાની પણ ચિંતા
આજે સયુંકત પરિવારની પરંપરા પણ તૂટી રહી છે અને તેની અસર સામાજિક સંસ્થાઓની સાથે સાથે માનસિક પણ જોવા મળી છે. સર્વેમાં 72 ટકા વૃદ્ધ માતાપિતાએ પરિવાર તૂટવાથી એટલે કે દીકરાઓ સયુંકત ન રહેતા અલગ થવાથી સમસ્યાનો અનુભવ કરતાં હોવાનું પણ જાણવા મળ્યું છે.
તેના સિવાય 53 ટકા વૃદ્ધ માતાપિતા પારિવારિક અને સામાજિક સમસ્યાઓ અનુભવે છે. જેમાંથી 45 ટકા વૃદ્ધ માતાપિતા કોઈને કોઈ શારીરિક બીમારીની સમસ્યાઓ અનુભવે છે. અંદાજે 64 ટકા વૃદ્ધો ઘર અને સમાજમાં અનાદરની સમસ્યાઓ અનુભવે છે.