સેવન્થ ડે સ્કૂલના સંચાલકોએ પાણીનું ટેન્કર મંગાવીને હત્યાના પુરાવાનો નાશ કર્યો ?

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ શહેરમાં ખળભળાટ મચાવ્યો છે. આ ઘટના બાદ 20 ઓગસ્ટે સ્કૂલમાં તોડફોડ અને હોબાળો થયો હતો. જ્યારે આજે, 21 ઓગસ્ટે, NSUIએ સ્કૂલને તાળાબંધ કરવાની જાહેરાત કરી છે, જ્યારે વિશ્વ હિન્દુ પરિષદે મણિનગર અને આસપાસના વિસ્તારોમાં બંધનું એલાન કર્યું છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
પરિવારનો આરોપ અને પોલીસ તપાસ
આ ઘટના બાદ સેવન્થ ડે સ્કૂલની આસપાસ અને 500 મીટરના વિસ્તારમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. પોલીસ ટીમો અલગ-અલગ શાળાઓમાં ચેકિંગ માટે પહોંચી છે, જ્યારે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર (DEO)ની ટીમે પણ સ્કૂલમાં તપાસ શરૂ કરી છે. પરિવારે આરોપ લગાવ્યો છે કે બાળક ઇજાગ્રસ્ત હોવા છતાં સ્કૂલે એમ્બ્યુલન્સ બોલાવી ન હતી અને પાણીના ટેન્કર વડે લોહીના ડાઘ ધોવાઈ ગયા, જેનાથી પુરાવા નષ્ટ થયા હોવાનો દાવો કરાયો છે.
સેવન્થ ડે સ્કૂલમાં થયેલી વિદ્યાર્થીની હત્યાના મામલે પોલીસે આરોપી વિદ્યાર્થીની અટકાયત કરી છે. આ ઉપરાંત, હત્યામાં મદદ કરનાર શંકાસ્પદ અન્ય એક વિદ્યાર્થીને પણ કસ્ટડીમાં લેવાયો છે. આ મામલે NSUIએ આજે સ્કૂલને તાળાબંધી કરવાની જાહેરાત કરી છે, જ્યારે વિશ્વ હિન્દુ પરિષદે મણિનગર, ખોખરા અને ઇસનપુર વિસ્તારની શાળાઓ અને દુકાનો બંધ રાખવા બંધનું આહ્વાન કર્યું છે. આ મામલે મૃતક વિદ્યાર્થીના પરિવાર અને સિંધી સમાજે માર્કેટ સંપૂર્ણ બંધ રાખ્યું, જ્યારે કેટલીક દુકાનો ખુલ્લી રહી છે.
ઉલ્લેખનીય છે કે, મણિનગર, ખોખરા અને ઇસનપુર વિસ્તારની લગભગ 200 શાળાઓએ બંધમાં ભાગ લીધો છે. સિંધી સમાજ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા દુકાનો બંધ કરાવવાના પ્રયાસો ચાલુ છે. સિંધી માર્કેટમાં સવારથી એક પણ દુકાન ખુલી નથી, ફક્ત ફળ અને ફૂલોના વેપારીઓ જ ધંધો કરી રહ્યા છે. જ્યારે સેવન્થ ડે સ્કૂલ જ્યાં સુધી મામલો થાળે ન પડે ત્યા સુધી ઓનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સેવન્થ ડે સ્કૂલની ઘટનાએ સ્થાનિક સમાજમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે. સિંધી સમાજ અને અન્ય સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. પોલીસ અને DEOની તપાસ ચાલુ છે, અને સ્કૂલની બેદરકારીના આરોપોની પણ તપાસ થઈ રહી છે. આ ઘટનાએ શાળાઓમાં સુરક્ષા અને વહીવટી વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે, અને વિસ્તારમાં શાંતિ જળવાય તે માટે પોલીસ સતત દેખરેખ રાખી રહી છે.