અમદાવાદમાં વિદ્યાર્થી હત્યા કેસ: શાળામાં તોડફોડ મામલે 500 લોકોના ટોળા સામે ગુનો દાખલ

અમદાવાદ: શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવેન્થ ડે સ્કૂલમાં ધોરણ 10 માં ભણતા વિદ્યાર્થીની તેના જુનિયર વિદ્યાર્થીએ છરીના ઘા મારીને હત્યા કરી દેતા ખળભળાટ (Student stabbed to death in Ahmedabad school) મચી ગયો છે.
આ ઘટના બાદ વાલીઓ અને કેટલાક વિદ્યાર્થી સંગઠનો દ્વારા શાળામાં તોડફોડ કરવામાં આવી હતી અને શાળાના શિક્ષકો અને સ્ટાફ સભ્યોને માર મારવામાં આવ્યો હતો, હવે આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, 500 લોકોના ટોળા સામે કેસ નોંધવામાં આવ્યો છે.
ગઈ કાલે શાળા પરિસરમાં થયેલી તોડફોડ મામલે સેવન્થ ડે સ્કૂલના એડમિન તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે 500 થી વધુ લોકો પર રમખાણો ફેલાવવા, હુમલો કરવો અને મિલકતને નુકસાન પહોંચાડવાના આરોપસર કેસ દાખલ કર્યો છે.
આપણ વાંચો: દિલ્લીમાં માતા-પિતા-પુત્રની હત્યા, 22 વર્ષનો નાનો દીકરો કેમ શંકાના દાયરામાં ?
ફરિયાદ મુજબ ટોળાએ શાળાની ઓફિસ, ક્લાસરૂમ, અને સ્કૂલ બસમાં તોડફોડ કરી હતી. આ ઉપરાંત શાળાએ એવો આરોપ લગાવ્યો છે કે પોલીસની હાજરીમાં જ શાળાના સ્ટાફને માર મારવામાં આવ્યો હતો.
આ ઘટનામાં સામેલ લોકોની ઓળખ કરવા પોલીસ કાર્યવાહી કરી રહી છે, ઓળખ બાદ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આજે પણ વિરોધ પ્રદર્શન:
આજે ગુરુવારે પણ સેવન્થ ડે સ્કૂલ સામે વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે, કોંગ્રેસની વિદ્યાર્થી પાંખે NSUIએ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું, NSUIએ અધિકારીઓ પર બેદરકારીનો આરોપ લગાવ્યો અને શાળાને બંધ કરવાની માંગ કર છે.
શાળાના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતાં. વાલીઓને શાળાના પરિસરમાં ચોરી, બોલચાલ અને મારામારીની ઘટનાઓ નિયમિત બનતી હોવાનો અને ફરિયાદો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થવાનો આરોપ લગાવ્યો હતો.
વિશ્વ હિન્દુ પરિષદે આજે બંધનું એલાન કર્યું હતું, જેના પગલે મણિનગર, ખોખરા અને ઇસનપુર વિસ્તારની લગભગ 200 શાળાઓ બંધ રહી હતી.