અમદાવાદ

ગુજરાત પેટાચૂંટણી: કડી અને વિસાવદર બેઠક પર ભાજપના 40 દિગ્ગજ નેતા પ્રચાર કરશે

અમદાવાદ: ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે લાંબા સસ્પેન્સ બાદ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ કડી અને વિસાવદર વિધાનસભા બેઠક માટે પોતાના ઉમેદવારના નામ જાહેર કર્યા હતા.

ભારતીય જનતા પાર્ટીએ વિસાવદર બેઠક પરથી કિરીટ પટેલને તો કડી વિધાનસભા બેઠક પરથી રાજેન્દ્ર ચાવડાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. હવે ભાજપે બંને બેઠક પરના ઉમેદવારોના પ્રચાર માટે ૪૦ સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી છે.

આપણ વાંચો: વિસાવદર પેટા ચૂંટણીઃ કેજરીવાલે ભાજપને ઈટાલિયાને તોડી બતાવવાનો પડકાર ફેંક્યો, કોંગ્રેસને લઈ કહી આ વાત…

સ્ટાર પ્રચારકમાં પહેલું નામ પાટીલનું

ભાજપ દ્વારા જાહેર કરાયેલી સ્ટાર પ્રચારકોની યાદીમાં પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કેન્દ્રીય કેબિનેટ પ્રધાન મનસુખ માંડવિયા અને સાંસદ પરષોત્તમ રૂપાલા પણ ભાજપના ઉમેદવારો માટે જોરશોરથી પ્રચાર કરશે.

આપણ વાંચો: કડી-વિસાવદરની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી 40 સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારશે…

જાણી લો યાદીમાં કોના નામ છે?

યાદીમાં સામેલ અન્ય દિગ્ગજ નેતાઓમાં નિમુબેન બાંભણિયા, રત્નાકરભાઈ, જીતુ વાઘાણી, ગોરધનભાઈ ઝડફિયા, ડૉ. ભરત બોઘરા, નંદાજી ઠાકોર, વર્ષાબેન દોશી, રજની પટેલ, વિનોદ ચાવડા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર. સી. ફળદુ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળિયા, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, રાજેશ ચુડાસમા, હરિ પટેલ, પ્રશાંત કોરાટ, ગૌતમ ગેડિયા, મયંક નાયક, દીપિકા સરદવા, ઉદય કાનગડ, લવિંગજી ઠાકોર, શંભુનાથજી ટુંડિયા, હીરા સોલંકી, જયેશ રાદડિયા, ડૉ. પ્રદ્યુમન વાજા, ડૉ. સંજય દેસાઈ, ગિરીશ રાજગોર, ચંદુ મકવાણા, દિલીપ પટેલ અને વંદના મકવાણાનો સમાવેશ થાય છે.

ભાજપમાંથી કોનું પત્તું કપાયું હતું

ઉલ્લેખનીય છે કે આ વિસાવદર બેઠક પર જીત મેળવવા માટે ભાજપ તમામ પ્રયત્નો કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી (આપ) સાથે છેડો ફાડીને ભાજપમાં સામેલ થયેલા ભૂપત ભાયાણી તો વળી ભાજપના જ પૂર્વ ધારાસભ્યના ઉમેદવાર હર્ષદ રિબડીયા બંનેનું પત્તું કપાયું છે.

પેટાચૂંટણીના પરિણામ રસપ્રદ રહેશે

હવે આ પ્રચારકોની ફોજ મતદારો સુધી પહોંચીને ભાજપની નીતિઓ અને વિકાસ કાર્યોને રજૂ કરશે અને બંને બેઠકો પર ભવ્ય વિજય મેળવવા માટે જનતાનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરશે. આ પેટાચૂંટણીઓ ગુજરાતના રાજકીય સમીકરણો પર શું અસર કરશે તે જોવાનું રસપ્રદ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button