એસટી બસના કંડક્ટરે માનવતા નેવે મૂકી! દિવ્યાંગ વિદ્યાર્થીને માર માર્યાનો વીડિયો વાયરલ

ગુજરાતમાં ખેડા જિલ્લામાં એક દિવ્યાંગ સાથે અમાનવીય ઘટના બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ધુવારણથી નડિયાદ જતી એસટી બસમાં એક દિવ્યાંગ વિદ્યાર્થી સાથે કંટક્ટરે દુર્વ્યવહાર કર્યો હતો, જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, GJ-18-ZT-7399 નંબરની બસમાં કંડક્ટર વિનોદ પરમારે કોઈ સામાન્ય વાતમાં જ એક દિવ્યાંગ વિદ્યાર્થી સાથે મારપીટ કરી અને ધમકી આપી હતી. જે અત્યારે ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
દિવ્યાંગ પાસ માટે કંડક્ટરે વિદ્યાર્થીને માર માર્યો
દિવ્યાંગ વિદ્યાર્થીએ બસમાં મુસાફરી કરતી વખતે પોતાના દિવ્યાંગ પાસ બતાવ્યો અને તેની ટિકિટ માંગી હતી. પરંતુ બસના કંડક્ટરે પાસ ખોટો છે તેવું કહીને ટિકિટ લેવા માટે ધમકી આપી હતી. વિદ્યાર્થીએ અનેક વખત સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ પાસ અસલી છે, પરંતુ કંડક્ટર તે માનવા માટે તૈયાર નહોતો. કંડક્ટરે ટિકિટ લેવા માટે દબાણ કર્યું અને સાથે સાથે અભદ્ર ભાષામાં વાત કરીને મારપીટ પણ કરી હતી. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
સમગ્ર ઘટના વિદ્યાર્થીના મોબાઇલ કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ
કંડક્ટરના આવી હરકતનો દિવ્યાંગ વિદ્યાર્થીએ વીડિયો બનાવી લીધો હતો. જ્યારે વિદ્યાર્થી આનો વીડિયો બનાવી રહ્યો હતો ત્યારે કંડક્ટરે તેની પાસેથી મોબાઈલ લેવાનો પ્રયત્ન કર્યો હતો. એટલું જ નહીં પરંતુ લાતો મારવાનો પણ પ્રયત્ન કર્યો હતો. આ સમગ્ર ઘટના વિદ્યાર્થીના મોબાઇલ કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. દિવ્યાંગ વિદ્યાર્થીએ આ કંડક્ટર સામે કાર્યવાહી કરવા માટે વિનંતી કરી હતી.
કંડક્ટર વિનોદ પરમારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ
આ સમગ્ર ઘટના અંગે નડિયાદ ડેપો મેનેજર કે.કે. પરમારે કહ્યું કે, બસ કંડક્ટર દ્વારા કરવામાં આવેલું આ વર્તન સંપૂર્ણપણે અમાનવીય અને નિંદનીય છે. કંડક્ટરે પહેલા પાસની માન્યતા તપાસવી જોઈતી હતી. આ રીતે જાહેરમાં કોઈ વિદ્યાર્થીને અપમાનિત ના કરવો જોઈએ’. વધુમાં ડેપો મેનેજરે કહ્યું કે, કંડક્ટર વિનોદ પરમારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને નડિયાદથી બોરસદ ડેપોમાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં છે.