વિશ્વાસની સિટ પર આટલો વિશ્વાસ! 11 A સિટના ભાવમાં વધારો તો પણ મુસાફરો કરી રહ્યા છે પડાપડી

અમદાવાદ: 12 જૂનના અમદાવાદથી લંડન જતી ફ્લાઈટે ઉડાન ભરતાની સાથે ગણતરીની સેંકન્ડોમાં શહેરના મેઘાણીનગરમાં પડી ભાંગ્યુ હતું. આ ફ્લાઈટ ક્રેશમાં 241 મુસાફરો સહિત 30 જેટલા સ્થાનિકોના મૃત્યુ થયું હતું. અમદાવાદ વિમાન દુર્ઘટનાના એક મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ આવી ગયો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB)એ 12 જુલાઈના રોજ 15 પાનાંનો રિપોર્ટ જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ વિમાનનાં બંને એન્જિન બંધ થવાને કારણે આ અકસ્માત થયો હતો.
આ ભયાવહ દુર્ઘટનામાં 1 માત્ર વિશ્વાસ કુમારનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટના બાદ વિશ્વાસ કુમાર લોકો માટે ચર્ચા વિષય બન્યો હતો. જે સીટ પરથી વિશ્વાસ કુમાર મુસાફરી કરી રહ્યા હતા, તે સીટ નંબર 11A હતી. આ ઘટના બાદ એવું જાણવા મળ્યું કે, અગાઉ 1998ના એક ફ્લાઈટ ક્રેશમાં પણ આ સીટ નંબર પર સવાર મુસાફરનો આબાદ બચાવ થયો હતો. ઉલ્લેખનીય છે કે, આ સીટ એક્ઝિટ ડોરથી ખુબ જ નજીક આવે છે. જેના કારણે વિશ્વાસની સમયસૂચકતાને કારણે તે સલામત રીતે બહાર આવી શક્યો.
આ ઘટના બાદ ફ્લાઈટમાં મુસાફરી કરનારા લોકોમાં 11A નંબર સીટને લઈ અનોખો ક્રેશ જોવા મળી રહ્યો છે. આ સીટ એક્ઝિટ ડોર પાસે હોવાથી લોકો તે સીટ પર બેસી મુસાફરી કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. તેના માટે લોકો વધારાના રૂપિયા ચૂકવવા પણ તૈયાર થઈ રહ્યા છે. લોકો સોશિયલ મીડિયા પર 11A નંબરની ટિકિટ પણ પોસ્ટ કરી રહ્યા છે.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ટ્રાવેલ એજન્સીઓ પાસે 11A નંબરની સીટ માટે માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. ટ્રાવેલ એજન્ટનું કહેવું છે કે ફ્લાઈટમાં એક્ઝિટ ડોર અલગ અલગ જગ્યા પર હોય અને તેના હિસાબે સીટ પણ અલગ હોય છે. મુસાફરો હવે એક્ઝિટ ડોર નજીકની સીટ પર બેસવાનું પસંદ કરે છે. મુસાફરો પણ આગ્રહ કરીને એવું કહે છે કે ઇમર્જન્સી એક્ઝિટ પાસેની સીટ હોય તો બુક કરજો. ઈન્ટરનેશનલ જ નહીં, ડોમેસ્ટિક ફ્લાઈટમાં પણ આવી ટિકિટની પસંદગી વધી છે.
આ સીટ માટે એટલી પડાપડી થઈ રહી છે કે મુસાફરો આ સીટ માટે વધારે રૂપિયા આપવા માટે પણ તૈયાર થઈ જાય છે. સૂત્રો પ્રમાણે આ સીટ માટે ટ્રાવેલ કરનારા લોકો 3 હજારથી 7 હજાર રૂપિયા આપવા માટે તૈયાર છે. જ્યારે બીજી રીતે આ સીટ પર આગળનો સ્પેસ ખાલી મળે છે, જેનાથી મુસાફરની કલાકોની મુસાફરી પગ લાંબા કરી આરામથી પૂર્ણ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે 12 જૂનની ઘટના વખતે પણ પહેલાં વિજયભાઈએ એક્ઝિટ ડોર પાસે લેગસ્પેસવાળી 11 સિરીઝની ઈકોનોમી ક્લાસની સીટ જ બુક કરાવી હતી, પણ ઓથોરિટીને ખબર પડતાં તેમણે અપડેટ કરીને બિઝનેસ ક્લાસમાં 2D નંબરની સીટ આપી હતી.
આપણ વાંચો: પ્લેનમાં બેસવાની ઘેલછા અને આંધળા પ્રેમે મહિલાને છેતરીઃ આંખો ખોલતો કચ્છનો કિસ્સો
આ દુર્ઘટના પહેલા ફ્લાઈટમાં ઈમરજન્સી એક્ઝિટ ડોર પાસેની સીટો, જેમ કે 11A, નંબર સીટ લોકો પસંદ કરતા ન હતા. કેમ કે, આ સીટ પર બેસનાર ને વધુ અવાજ આવે છે. આ સીટો વિમાનના બાહ્ય ભાગની નજીક હોય છે, જ્યાં એરફ્લો અને એન્જિનનો અવાજ વધુ સંભળાય છે. ખાસ કરીને ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન, ઈમરજન્સી એક્ઝિટની નજીકનું માળખું અને બહારના વાતાવરણનું દબાણ અવાજનું સ્તર વધારે છે. આ ઉપરાંત, ક્રૂ સભ્યો દ્વારા કટોકટીની તૈયારી માટે કરવામાં આવતી તપાસ અથવા ડોરની હિલચાલથી પણ થોડો અવાજ થઈ શકે છે. જેના કારણે પહેલા લોકો આ સીટ પર બેસવાનું પસંદ કરતા ન હતા.
જ્યારે એક્સિટ ડોર પાસેની સીટ સાથે હવે ફ્લાઈટ મુસાફરીમાં લોકો વિમો લેવાનું પણ પ્રિફર કરે છે. આ ઘટના પહેલા લોકો વિમો લેવાનું ટાળતા હતા. કારણ કે, બુકિંગ સમયે વિમો અલગ લેવો પડતો હતો. જ્યારે આ દુર્ઘટના બાદ સાવચેતી માટે અલગથી રૂપિયા આપી વિમો લેવાનું પસંદ કરે છે. જોકે, આ સીટની કિંમતોમાં વધારો કોઈ એરલાઈન્સની વેબસાઈટ પર નથી જોવા મળ્યો. સીટની માગને જોતા ઘણા ખાનગી એજન્ટોએ કમિશનમાં વધારીને લેતા હોય છે.