અમદાવાદમાં SMCની મોટી કાર્યવાહી: શીલજ-બોપલ રોડ પરથી લાખોનું ‘હાઈડ્રો વીડ’ ડ્રગ્સ ઝડપાયું

અમદાવાદઃ ગુજરાત રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલે દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, અમદાવાદ શહેરના શીલજ-બોપલ રોડ પર એપલવુડ્સ વિલા નજીકથી લાખોની કિંમતનું નશીલું દ્રવ્ય ઝડપી પાડવામાં આવ્યું છે.
SMC દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન કુલ 16,80,070 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે સાથે પોલીસ દ્વારા આ કેસમાં ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.
આપણ વાચો: ગુજરાતમાં અસામાજિક તત્વોની ખેર નથીઃ હવે સ્ટેટ મોનિટરિંગ સેલે તૈયાર કરી યાદી…
પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ શખ્સોની ધરપકડ કરી
એસએમસીની કાર્યવાહી દરમિયાન 15,12,000 રૂપિયાની કિંમતનું 432 ગ્રામ ‘હાઈડ્રો વીડ’, 1,10,000 રૂપિયાની કિંમતના 3 મોબાઈલ ફોન, 50,000 રૂપિયાની કિંમતનું એક હોન્ડા એક્ટિવા અને 8070 રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.
આ દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે, જેમાં વસ્ત્રાપુરના રવિ બાબુભાઈ માકણા, જજિસ બંગલો રોડના દર્શન નરેન્દ્રભાઈ પરીખ અને ગાંધીનગરના રાહુલ સ્વરૂપસિંહ ભદોરિયાનો સમાવેશ થાય છે.
આપણ વાચો: Rajkot ટંકારા જુગાર કેસમાં મોટો ખુલાસો: પોલીસે જ 61 લાખનો કર્યો તોડ
મુખ્ય સપ્લાયર સહિત બે આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યાં
પોલીસ દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે આ ડ્રગ્સ નેટવર્કનો મુખ્ય સપ્લાયર અર્ચિત અગ્રવાલ અને તેનો ભાગીદાર ચિન્મય ઉર્ફે લાલો સોની હાલ પોલીસ પકડથી દૂર હોવાથી તેમને વોન્ટેડ જાહેર કરી દેવામાં આવ્યો છે.
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ મામલે NDPS એક્ટની કલમ મુજબ ગુનો નોંધીને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. નવા વર્ષને લઈને અનેક જગ્યાએ ડ્ર્ગ્સ પાર્ટીની આશંકા હોવાના કારણે એસએમસી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. હજી પણ આ કાર્યવાહી યથાવત રહેશે તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.



