જાપાનના ક્યા શહેર સાથે અમદાવાદના સિસ્ટર સિટી કરાર થયા ?

અમદાવાદ: જાપાન વિવિધ ક્ષેત્રે ભારત સંજે સહયોગ વધારી રહ્યું છે, એવામાં જાપાનના હમામાત્સુ સિટી (Hamamatsu City) અને અમદાવાદ શહેર (Ahmedabad) વચ્ચે સિસ્ટર સિટી ટ્વીનિંગ કરાર કરવામાં (Sister City Twinning Agreement) આવ્યો છે, જેને કારણે અમદાવાદના વિકાસને વગે મળશે. રિવરફ્રન્ટ હાઉસ ખાતે અમદાવાદના મેયર પ્રતિભા જૈન અને હમામાત્સુ સિટીના મેયર યુસુકે નાકાનોએ બંને શહેરોના અધિકારીઓની હાજરીમાં આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં.
નોંધનીય છે કે અગાઉ જાપાન અન્ય એક શહેર કોબે સાથે પણ અમદાવાદનો સિસ્ટર સિટી ટ્વીનિંગ કરાર કરવામાં આવ્યો હતો, હવે જાપાનના વધુ એક શહેર હમામાત્સુ સાથે નવો કરાર કરવામાં આવ્યો છે. આ કરારનો હેતુ જાપાન સાથે અમદાવાદના સાંસ્કૃતિક, આર્થિક અને વિકાસલક્ષી સહયોગને મજબૂત બનાવવાનો છે.
આ કરાર દ્વારા ભારત અને જાપાનના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં આવશે. કરાર મુજબ બંને શહેરોના નિયુક્ત અધિકારીઓ નિયમિત એક બીજાના સંપર્કમાં રહેશે. બંને શહેરોના પ્રતિનિધિમંડળો એક બીજા શહેરોની મુલાકાત લેશે અને પરસ્પર હિતના ક્ષેત્રોમાં અનુભવો શેર કરશે.
આ ક્ષેત્રે સહયોગ કરવામાં આવશે:
આ કરાર હેઠળ બંને શહેરો વચ્ચે નાગરિક વહીવટ, જમીનના ઉપયોગનું આયોજન, પરિવહન, આવાસ, શિક્ષણ, સંસ્કૃતિ, રમતગમત, ગંદા પાણી અને ઘન કચરાનું મેનેજમેન્ટ, માળખાગત વિકાસ, પર્યાવરણીય જાળવણી, જાહેર આરોગ્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રવાસન, હેરિટેજ મેનેજમેન્ટ, અર્બન રીન્યુઅલ અને પ્રાદેશિક આયોજન સહિત વિવિધ ક્ષેત્રોને સહયોગ કરવામાં આવશે.
હમામાત્સુમાં પણ ઉડે છે પતંગ:
અમદવાદમાં ઉત્તરાયણ દરમિયાન પતંગ ચગાવવાનું મહત્વ છે, એમ જાપાનના હમામાત્સુમાં પણ દરવર્ષે પતંગ મહોત્સવ યોજાઈ છે. સપ્ટેમ્બર 2025 માં યોજાનાર ઇન્ડિયા હમામાત્સુ ફેસ્ટિવલ દરમિયાન બંને શહેરો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોની ઝાંખી રજુ કરવામાં આવશે. હમામાત્સુમાં દર વર્ષે યોજાતા આ ફેસ્ટીવલમાં ભારતીય સંગીત, નૃત્ય, ભોજન અને પરંપરાગત કળાઓનું પ્રદર્શન કરવામાં આવે છે.
આપણ વાંચો: હવે અમદાવાદ મ્યુનિસિપાલિટી સેવન્થ ડે સ્કૂલની જમીનના મામલે કરશે તપાસ