ગુજરાતમાં SIR શરૂ: 2002ની મતદારયાદીમાં તમારું નામ કેવી રીતે તપાસવું? અહીં જાણો સંપૂર્ણ પ્રક્રિયા

અમદાવાદ: બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધર્યા બાદ, ગત મહિનાના અંતમાં ભારતના ચૂંટણી પંચ(ECI) એ SIR ના બીજા તબક્કાની જાહેરાત કરી હતી. બીજા તબક્કામાં ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદી સુધારણા માટે SIR હાથ ધરવાની જાહેરાત કરવામાં આવી હતી.
ECIની જાહેરાત મુજબ ગુજરાતમાં SIRની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) ઘરે ઘરે પહોંચીને મતદાર યાદીમાં નોંધણી માટેના ફોર્મ વહેંચી રહ્યા છે, મતદારોએ આ ફોર્મમાં અપડેટેડ માહિતી ભરવાની રહેશે ત્યાર બાદ BLOs મતદારો પાસેથી ફોર્મ એકઠા કરશે અને ચૂંટણી પંચને માહિતી સબમિટ કરશે. અ પ્રક્રિયા 4 નવેમ્બરથી શરૂ થઇ ગઈ છે, 4 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે, આ પ્રક્રિયામાં 5 કરોડથી વધુ મતદારોની આવી લેવામાં આવશે.
ચૂંટણી પંચે આપેલી માહિતી મુજબ આ SIR પ્રક્રિયા માટે 2002ની મતદાર યાદીને સંદર્ભ તરીકે લેવામાં આવશે. આ પ્રક્રિયા હેઠળ વર્ષ 2002ની મતદાર યાદીમાં સામેલ મતદારોએ તેમનું નામ, સરનામું, મતવિસ્તાર, ભાગ નંબર અને સીરીયલ નંબર જેવી વિગતો દાખલ કરવાની રહેશે.
આવામાં ઘણા લોકોને એ મૂંઝવણ છે કે 2002ની મતદાર યાદીમાં તેમનું નામ અને ઇલેક્ટર ફોટો આઇડેન્ટિટી કાર્ડ(EPIC) નંબર કેવી રીતે ચકાસવા. અમે તમને અહીં જણાવીશું કે માત્ર 5 સ્ટેપમાં તમે વિગતો કેવી રીતે ચકાસી શકો છો.
- ચૂંટણી પંચે ગૂગલ ડ્રાઈવના ફોલ્ડર પર વર્ષ 2002ની મતદાર યાદી અપલોડ કરી છે, જેની લિંક લેખના અંતે આપવામાં આવી છે.
- આ લિંક પર ક્લિક કરતાની સાથે જ જિલ્લાવાર ફોલ્ડર્સ દેખાશે, તેમાંથી તમને લગતા જીલ્લાના ફોલ્ડર પર ક્લિક કરો.
- ત્યાર બાદ તમને વિધાન સભા મતવિસ્તારના નંબર અને નામ સાથેના ફોલ્ડર્સ બનેલા જોવા મળશે, જેમાંથી તમને લગતા મતવિસ્તારના ફોલ્ડર પર ક્લિક કરો
- આ ફોલ્ડર્સની અંદર મતદાન ક્ષેત્ર વાર PDF ફાઈલ્સ અપલોડ કરવામાં આવી છે, જેમાંથી તમને લગતા મતદાન ક્ષેત્રની ફાઈલ ડાઉનલોડ કરો
- આ ફાઈલમાં તમને વર્ષ 2002ની મતદાર યાદી મુજબ નોંધાયેલા મતદારોનું નામ, ઘર નંબર, સબંધી અને તેમની સાથે સાથે સંબંધ, જાતી, ઉંમર, અને EPIC નંબર જોવા મળશે. તમે આ ફાઈલમાં તમારું અને તમારા પરિવારના સભ્યોનું નામ અને અન્ય માહિતી શોધી શકો છો અને એ પ્રમાણે ફોર્મ ભરી શકો છો.



