અમદાવાદની મેડિકલ કોલેજોમાં મુન્નાભાઈ MBBS જેવા દ્રશ્યો! એનાટોમીના અભ્યાસ માટે મૃતદેહોની અછત

અમદાવાદ: વર્ષ 2003માં રિલીઝ થયેલી સંજય દત્ત સ્ટારર ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસનું એક દ્રશ્ય કદાચ તમને યાદ હશે, મેડીકલ કોલેજમાં એક પ્રોફેસર વિદ્યાર્થીઓને મનુષ્યની શરીર રચનાની સમજ આપવા માટે મૃતદેહને કાપવાની રીત શીખવાડી રહ્યા છે, વિદ્યાર્થીઓનું જૂથ મૃતદેહને ઘેરીને ઉભું છે, પરંતુ મુન્નાને જગ્યા મળી રહી નથી, ત્યાર બાદ શું થાય છે એ ફિલ્મ જોઈ હશે એને યાદ જ હશે. ફિલ્મના આ દ્રશ્ય જેવા જ દ્રશ્યો હાલ અમદવાદની મેડીકલ કોલેજોમાં સર્જાઈ રહ્યા છે. અભ્યાસ દરમિયાન એક મૃતદેહને 25થી વધુ વિદ્યાર્થીઓ ઘેરીને ઉભા જોવા (Shortage of cadaver in Ahmedabad medical college) મળે છે.
એક અહેવાલ મુજબ શહેરની મેડીકલ કોલેજોમાં એનાટોમીના અભ્યાસ માટે મૃતદેહોની તીવ્ર અછત છે, જેના કારણે 25 થી વધુ વિદ્યાર્થીઓને એક જ મૃતદેહ પર ડિસેક્શન શીખી રહ્યા છે. સામાન્ય રીતે એક મૃતદેહ પર 10 વિદ્યાર્થીઓ ડિસેક્શન શીખે છે, પણ મૃતદેહો ન મળતા અમદાવાદની મેડીકલ કોલેજોમાં આ સંખ્યા આદર્શ સંખ્યાના બે ગણાથી વધુ છે.
આ પણ વાંચો: 40 મેડિકલ કોલેજો પર સીબીઆઈના દરોડા, કલોલ ખાતેની સ્વામિનારાયણ મેડિકલ કોલેજના સંચાલક સામે ફરિયાદ…
શહેરની બીજે મેડિકલ કોલેજ, GMERS સોલા, GCS મેડિકલ કોલેજ, SAL ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને NHL મેડીકલ કોલેજ જેવી અગ્રણી મેડીકલ કોલેજોમાં અભ્યાસ માટે મૃતદેહોની માંગ સામે ઉપલબ્ધ થતા મૃતદેહોની સંખ્યા ખુબ ઓછી છે. અધ્યાપકોના જણાવ્યા મુજબ ઓછા મૃતદેહોને કારણે વિદ્યાર્થીઓને ડિસેક્શનશીખવા માટે ખુબ તકલીફો પડી રહી છે.
વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર:
વિદ્યાર્થીઓએ જણાવ્યું કે એનાટોમી પ્રેકટીકલ રીતે જ સરખી રીતે શીખી શકાય છે. પરંતુ એક મૃતદેહ સામે વધુ વિદ્યાર્થીઓ હોવાથી તેઓ માનવ શરીર રચના સરખી રીતે જોઈ શકતા નથી, જેની તેમના આભ્યાસ પ્રતિકુળ અસર પડે છે.
એક ખાનગી મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ જણાવ્યું કે 150 વિદ્યાર્થીઓની બેચ માટે ફક્ત પાંચ મૃતદેહ ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓ 25 થી 30 ના ગ્રુપમાં એક ટેબલની આસપાસ ઉભા રહે છે. વિદ્યાર્થીઓને પ્રેક્ટીકલ ઓબ્ઝર્વેશનને બદલે વિડીયો જોઈ અભ્યાસ કરવો પડે છે.
આ પણ વાંચો: મેડિકલ કોલેજોમાં રેગિંગ કરનારા વિદ્યાર્થીઓ સામે હાઈકોર્ટનું આકરૂ વલણ જોતા અરજદારે અરજી પાછી ખેંચી
રાજ્યમાં અંગદાન વધુ પણ મૃતદેહોની અછત:
દાન આપવું એ ગુજરાતીઓના લોહીમાં છે. રક્તદાન અને અંગદાન મામલે ગુજરાત દેશમાં સૌંથી આગળ રહ્યું છે, પરંતુ મેડિકલ અભ્યાસ માટે મૃતદેહોની અછત ચિંતાજનક છે. એક સંસ્થાના જણાવ્યા મુજબ વર્ષ 2022 થી રાજ્યમાં દર મહિને તેમને સરેરાશ 12 મૃતદેહો દાન થયા છે. અભ્યાસ માટે દાનમાં આપવામાં આવેલા મૃતદેહોની જાળવણી માટે યોગ્ય સુવિધાઓનો અભાવ અને મેડિકલ કોલેજોમાં મૃતદેહોનાં અસમાન વિતરણને કારણે આ અછત ઉભી થઇ છે.