
અમદાવાદ: થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટમાં એક કેસની સુનવણી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયધીશ પર એક વકીલે જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો, અને ‘સનાતન ધર્મ’ના સમર્થનમાં નારા લગાવ્યા હતાં. આ ધટનાની દેશભરમાં નિંદા કરવામાં આવી હતી, વડાપ્રધાન મોદીએ પણ આ ઘટના અંગે આઘાત વ્યક્ત કર્યો હતો. એવામાં અમદાવાદમાં પણ કોર્ટની કાર્યવાહી દરમિયાન ન્યાયધીશ પર જૂતું ફેંકવાની ઘટના બની છે.
અહેવાલ મુજબ ગઈ કાલે મંગળવારે સિવિલ અને સેશન્સ કોર્ટમાં ન્યાયધીશ પર જૂતું ફેંકવાની ઘટના બની હતી. 1997ના એક કેસનો ચુકાદો સંભાળવવામાં આવી રહ્યો હતો, એડિશનલ ચીફ જસ્ટિસ એમ.પી. પુરોહિતે ચાર આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતાં, ચુકાદો સાંભળીને ફરિયાદીએ ન્યાયધીશ પર બે જૂતા ફેંક્યા હતાં.
શું હતો મામલો?
અહેવાલ મુજબ ઘટના મંગળવારે બપોરે ભદ્ર કોર્ટ સંકુલના કોર્ટ રૂમમાં બની હતી. 1997માં ગોમતીપુર વિસ્તારમાં ક્રિકેટ મેચ દરમિયાન થયેલા ઝઘડા બાદ એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો, જે મામલે પીડિત વ્યક્તિના દીકરાની ફરિયાદને આધારે કેસ નોંધવામાં આવ્યો હતો.
વર્ષ 2017 માં, મેટ્રોપોલિટન કોર્ટે ચારેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. સેશન્સ કોર્ટે પણ ચારેય આરોપીને નિર્દોષ જાહેર કરવાના નિર્ણયને માન્ય રાખ્યો હતો. જેને કારણે રોષે ભરાયેલા ફરિયાદીએ ન્યાયધીશ પર જૂતાં ફેંક્યા હતાં.
ન્યાયાધીશે ઉદારતા દાખવી:
અહેવાલ મુજબ ફરિયાદીએ પહેલા ન્યાયધીશને અપશબ્દો કહ્યા હતાં. કોર્ટરૂમમાં હાજર પોલીસ અધિકારીઓ અને વકીલોએ તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે વધુ ગુસ્સે થઈ ગયો અને ન્યાયાધીશ પર જૂતા ફેંક્યા.
કારંજ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ કોર્ટરૂમ પહોંચ્યા અને હુમલાઓ કરનાર વ્યક્તિને કસ્ટડીમાં લીધો, ત્યારે ન્યાયાધીશે વિનંતી કરી કે તેની સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવે.
સદભાગ્યે ઘટનામાં ન્યાયાધીશને કોઈ ઈજા થઈ નથી. પરંતુ આવી ઘટનાઓને કારણે કોર્ટરૂમમાં સુરક્ષા અંગે પ્રશ્નો ઉઠ્યા છે.
આ પણ વાંચો…જૂતા મારો આંદોલન કરનારી એમવીએને દેવેન્દ્ર ફડણવીસે ફટકારી, કર્યા આ સવાલો