અમદાવાદ

SHE ટીમને મળશે બાઝનજર: હવે ડ્રોન વડે સૂમસામ ગલીઓ અને વેરાન જગ્યાઓ પર પણ રખાશે નજર

અમદાવાદ: મહિલાઓની રક્ષા માટે ગુજરાત પોલીસમાં SHE ટીમ કાર્યરત છે. ગુજરાત પોલીસ આગામી સમયમાં SHE ટીમની તાકાત વધારવાની તૈયારી કરી રહી છે. SHE ટીમ હવેથી ગુનાખોરીની પ્રવૃત્તિઓ પર આકાશમાંથી પણ દેખરેખ રાખી શકશે અને જલદી તેનું નિરાકરણ લાવી શકશે. કારણ કે ગુજરાત પોલીસ SHE ટીમ હેઠળ સંપૂર્ણપણે મહિલા ડ્રોન સર્વેલન્સ યુનિટ શરૂ કરવા જઇ રહી છે.

ડ્રોન વડે મહિલા પોલીસ કરશે ગુનાખોરીનું નિરીક્ષણ

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, SHE ટીમમાં કાર્યરત મહિલા પોલીસને મહિલા ડ્રોન હેન્ડલર્સ તરીકેની તાલીમ આપીને ડ્રોન સર્વેલન્સ યુનિટ શરૂ કરવામાં આવશે. AI-આધારિત વોરનિંગ સીસ્ટમથી સજ્જ SHE ટીમનો ડ્રોન કાફલો રાત્રિ પેટ્રોલિંગ માટે તૈનાત કરવામાં આવશે. આ યુનિટ સૂમસાન તથા સ્ટ્રીટ લાઈટ વગરના રસ્તાઓ, શહેરના છેવાડાના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરશે. સાથોસાથ બેફામ ઝડપે ડ્રાઇવિંગ કરતા નબીરાઓ પર પણ નજર રાખશે.

આ ઉપરાંત ડ્રોન આદિવાસી વિસ્તારોનું પણ નિરીક્ષણ કરશે, જ્યાં મહિલાઓ પર અવારનવાર તાલીબાની અત્યાચાર કરવાની ઘટનાઓ સામે આવે છે. સાથોસાથ તે પૂરની સંભાવના ધરાવતા દરિયાકાંઠાના વિસ્તારો પર પણ દેખરેખ રાખશે. જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ થતી જણાશે તો ડ્રોન હેન્લર નજીકના પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરીને ચેતવણી આપશે. જેનાથી તાત્કાલિક પગલાં લઇને ગુનાખોરીને અટકાવી શકાશે.

પોલીસ તરફથી મળશે ઝડપી પ્રતિભાવ

SHE ટીમના મોબાઇલ કમાન્ડ યુનિટ્સ ડ્રોન સર્વેલન્સ, ઇમરજન્સી કીટ અને રીઅલ-ટાઇમ લાઇવ રિપોર્ટિંગ ક્ષમતાઓથી સજ્જ હશે. “એપ્લિકેશન 2.0” નામની ખાસ એપ દ્વારા ડ્રોનના હાઇ-રિઝોલ્યુશન કેમેરામાં કોઈ શંકાસ્પદ ઘટના મળી આવે તો તેની નજીકની પીસીઆર વાનને અથવા પોલીસ સ્ટેશનને રીઅલ-ટાઇમ SOS ચેતવણીઓ મોકલી આપશે.

પોલીસને ઘટનાની જાણ થયા બાદ પીડિતોને તેનો ઝડપી પ્રતિભાવ મળશે. મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો સામે ઉત્પીડન, પીછો કરવો અથવા જાહેર ધમકીઓની પ્રવૃત્તિ બદલ 5 મિનિટની અંદર પ્રતિભાવ મળશે. ઘરેલુ દુર્વ્યવહાર, ગુમ થયેલ વ્યક્તિઓ અને ધમકીઓ માટે 5થી 20 મિનિટની અંદર પ્રતિભાવ મળશે. કાનૂની સહાય, કાઉન્સેલિંગ, પુનઃ એકીકરણ અને સાયબર ક્રાઇમ માટે 20થી 60 મિનિટની અંદર પ્રતિભાવ મળશે.

ગુજરાત પોલીસે રાજ્ય સરકાર સામે રજૂ કર્યો પ્રોજેક્ટ

ગુજરાત પોલીસના ડ્રોન સર્વેલન્સ યુનિટ પ્રોજેક્ટમાં એક નોડલ SP રેન્કના અધિકારી રાજ્યભરમાં તમામ SHE ટીમોનું નિરીક્ષણ કરશે. DSP-રેન્કના અધિકારીઓના નેતૃત્વ હેઠળના ઝોનલ એકમો મેટ્રો, ગ્રામીણ અને દરિયાકાંઠાના વિસ્તારો માટે કમાન્ડ અને કંટ્રોલ હબનું સંચાલન કરશે. ફિલ્ડ SHE ટીમોમાં એક સબ-ઇન્સ્પેક્ટર, બે મહિલા કોન્સ્ટેબલ, એક સામાજિક કાર્યકર અને બાળ અધિકાર સંગઠનના પ્રતિનિધિનો સમાવેશ થશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસે SHE ટીમના ડ્રોન સર્વેલન્સ યુનિટ પ્રોજેક્ટનો પ્રસ્તાવ રાજ્ય સરકાર સામે રજૂ કર્યો છે. જેને વહેલી તકે મંજૂરી આપવામાં આવશે. એવું સૂત્રો અનુમાન લગાવી રહ્યા છે.

આ પણ વાંચો…ડોંબિવલીમાં ફ્લેટમાંથી 2.12 કરોડનું મેફેડ્રોનડ્રગ્સ પકડાયું: મહિલા સહિત ત્રણની ધરપકડ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button