GMERS કૌભાંડોનું ઘરઃ કૉંગ્રેસના ગંભીર આક્ષેપો, કેગ દ્વારા તપાસની માગણી
અમદાવાદઃ રાજયની પાંચ મેડિકલ કોલેજો રાજપીપળા, નવસારી, પોરબંદર, ગોધરા અને મોરબી મેડિકલ કોલેજ શરૂ કરવા માટે 60 ટકા રકમ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે, આ તમામ કોલેજોમાંથી 15 ટકા બેઠકો ઓલ ઇન્ડિયા કવોટા તરીકે પણ આપવામાં આવે છે ત્યારે આ કોલેજોમાં સરકારી ધોરણે ફી લેવાના બદલે મેડિકલ સોસાયટીમાં સામેલ કરીને લાખો રૂપિયા ફી ઉઘરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.
ખરેખર મેડિકલ સોસાયટીના વહીવટની ચકાસણી કેગ (CAG)દ્વારા કરવામાં આવે તો અનેક પ્રકારના ગોટાળા અને કૌભાંડો બહાર આવે તેમ છે, તેમ કૉંગ્રેસના પ્રવક્તા મનીશ દોશીએ આક્ષેપો કરતા જણાવ્યું હતું.
તાજેતરમાં ગુજરાતમાં GMERS કૉલેજોની ફી વધારવામાં આવી હોવાથી વિરોધ થઈ રહ્યો છે. દરમિયાન કૉંગ્રેસે આક્ષેપ કર્યા છે કે મેડિકલ પ્રવેશના નિયમો પ્રમાણે સરકારી કોલેજોમાંથી 15 ટકા બેઠકો ઓલ ઇન્ડિયા કવોટામાં ફાળવવામાં આવે છે. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી રાજપીપળા, નવસારી,પોરબંદર, ગોધરા અને મોરબી કોલેજમાંથી હાલમાં ઓલ ઇન્ડિયા કવોટાની બેઠકો આપવામાં આવે છે.
આ પણ વાંચો: GMERS મેડિકલ કોલેજોમાં ફી વધારાને લઈને ઇંડિયન મેડિકલ એસોસિયેશનને લખ્યો CMને પત્ર
એટલે કે આ બેઠકોને સરકાર સીધી રીતે સરકારી કોલેજ તરીકે ગણાવી રહી છે. આમ, ખરેખર આ સરકારી કોલેજ હોય તો પછી તેની ફી મેડિકલ સોસાયટીની અન્ય કોલેજોની જેમ વાર્ષિક 5.5 લાખ રૂપિયા કેમ નક્કી કરવામાં આવી છે, તેવો સવાલ તેમણે કર્યો છે.
તેમણે જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા એક મેડિકલ કોલેજ માટે રૂ. 195 કરોડ ખર્ચ કરવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓ પાસેથી 5.5 રૂપિયા ફી કેમ વસુલવામાં આવે છે તેનો જવાબ આપવા કોઇ તૈયાર નથી. ખરેખર ઓલ ઇન્ડિયા કવોટામાં 15 ટકા બેઠકો ફાળવવામાં આવતી હોય તો તેની ફી સરકારી મેડિકલ કોલેજના ધોરણે માત્ર 25 હજાર રૂપિયા હોવી જોઇએ તેના બદલે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરીને 5.5 લાખ રૂપિયા ફી વસુલવામાં આવી છે.
છેલ્લા કેટલાક સમયથી મેડિકલ સોસાયટી એટલે કે જીએમઇઆરએસ કૌભાંડનું ઘર બની ગઇ છે. સોસાયટીની રચના થઇ ત્યારથી અત્યાર સુધી કરવામાં આવેલા ખર્ચ અને આવકના હિસાબની ચકાસણી કેગ મારફતે થવી જોઇએ તેવી માંગણી કોંગ્રેસના પ્રવક્તા ડો.મનિષ દોશી દ્વારા કરવામાં આવી છે.
ભૂતકાળમાં વડાપ્રધાનને પત્ર લખીને ડો. દોશી દ્વારા આ તમામ મેડિકલ કોલેજોમાં સરકારી ધોરણે રૂ.25 હજાર ફી નક્કી કરવી જોઇએ તેવી માંગણી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા કોલેજ તૈયાર કરવા માટે આપેલી 195 કરોડ રૂપિયાની રકમ પછી પણ ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી તોતિંગ ફી વસુલવામાં આવે તે બિલકુલ ગેરકાયદે અને અન્યાયી છે. આગામી દિવસોમાં કેગ દ્વારા સમગ્ર સોસાયટીના વહીવટની માંગણી કેન્દ્રમાં કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે, તેમ તેમણે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.