વસ્ત્રાપુરમાં સચિવાલયના અધિકારીએ જીવન ટૂંકાવ્યું

અમદાવાદ: વસ્ત્રાપુર વિસ્તારમાં ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS)ના અધિકારીની આત્મહત્યાની ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. મનોજકુમાર પૂજારા નામના આ અધિકારી સરકારી વસાહતમાં આવેલા તેમના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટનાએ સચિવાલયના સહકર્મીઓમાં શોકનું મોજું ફેલાવ્યું છે, અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
સૂત્રોની જાણકારી પ્રમાણે બુધવારે સવારે લગભગ 11 વાગ્યે આ ઘટના પ્રકાશમાં આવી હતી, જ્યારે મનોજકુમાર પૂજારાના ડ્રાઇવર તેમને રોજની જેમ લેવા આવ્યા. ફોન પર સંપર્ક ન થતા ડ્રાઇવર તેના ઘરે પહોંચ્યો અને દરવાજો ખુલ્લો જોઈને અંદર ગયા. ત્યા તેણે પૂજારાને લટકતી હાલતમાં જોયા હતા. જે બાદ તેણે વસ્ત્રાપુર પોલીસને તાત્કાલિક જાણ કરી, અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. ઘટનાસ્થળે કોઈ સુસાઇડ નોટ મળી નથી, જેના કારણે આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ અસ્પષ્ટ છે.
પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મનોજકુમાર પૂજારા છેલ્લા 11 વર્ષથી એકલા રહેતા હતા. તેણે છૂટાછેડા લીધેલા હતા અને તેનો એક પુત્ર મુંબઈમાં રહે છે. પૂજારા શાંત અને શિસ્તબદ્ધ અધિકારી તરીકે જાણીતા હતા, અને તેમની આત્મહત્યાના સમાચારથી સચિવાલયના સાથીઓ આઘાતમાં છે. પોલીસે જણાવ્યું કે એકલતા આ ઘટનાનું એક સંભવિત કારણ હોઈ શકે છે, પરંતુ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
વસ્ત્રાપુર પોલીસે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જે આત્મહત્યાના કારણોને સ્પષ્ટ કરવામાં મદદ કરશે. પોલીસે પૂજારાના સહકર્મીઓ અને પરિવારજનોના નિવેદનો લેવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેથી ઘટનાની પાછળનું ચોક્કસ કારણ જાણી શકાય. ગાંધીનગર સચિવાલયમાં પૂજારાના સાથીઓએ તેના અચાનક અવસાન પર શોક વ્યક્ત કર્યો છે, અને આ ઘટનાએ અધિકારીઓના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂરિયાતને ઉજાગર કરી છે.
આપણ વાંચો: સીસીટીવી ફૂટેજના દાવા સ્કૂલે ફગાવ્યા, DEOની નોટિસને હાઈકોર્ટમાં પડકાર