સીસીટીવી ફૂટેજના દાવા સ્કૂલે ફગાવ્યા, DEOની નોટિસને હાઈકોર્ટમાં પડકાર

અમદાવાદ: મણિનગરમાં સેવન્થ ડે એડવેન્ટિસ્ટ (SDA) સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી નયન સંતાનીની છરીના ઘા ઝીંકાવાથી થયેલી હત્યાની ઘટનાએ રાજ્યભરમાં ખળભળાટ મચાવ્યો છે. આ ઘટના બાદ સ્કૂલ પર બેદરકારીના આરોપો લાગ્યા, જેના જવાબમાં સ્કૂલે CCTV ફૂટેજ અને ઘટનાનો સમયપત્રક જાહેર કર્યો છે. જોકે, ક્રાઇમ બ્રાન્ચે દાવો કર્યો છે કે નયનને 40 મિનિટ સુધી સહાય ન મળી, જેના કારણે તેનું મોત થયું. દરમિયાન, સ્કૂલે શહેરના DEOની શો-કોઝ નોટિસને ગુજરાત હાઇકોર્ટમાં પડકારી છે.
સેવન્થ ડે સ્કૂલમાં પંદર દિવસ પહેલા બનેલી ઘટનાએ શહેર સહિત રાજ્યભરમાં ચકાચાર મચાવ્યો છે. મૃતક વિદ્યાર્થીની પરિવાર અને સમાજે સ્કૂલ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત કડક કાર્યવાહીની માગ પણ કરવામાં આવી હતી. સ્કૂલ પર વિદ્યાર્થીને લઈ બેદરકારી દાખવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જ્યારે આ ઘટનાને લઈ ગઈકાલે સ્કૂલે CCTV જાહેર કર્યા હતા.
આ CCTVમાં જેવું જોવા મળી રહ્યું છે તે પ્રમાણે 19 ઓગસ્ટે બપોરે 12:50 વાગ્યે નયન સંતાની કેમ્પસ છોડીને ગયો અને ત્રણ મિનિટ બાદ પેટ પકડીને પરત ફર્યો. સ્કૂલના જણાવ્યા અનુસાર, 12:54 વાગ્યે સુરક્ષા ગાર્ડે તેની હાલત જોઈને સ્ટાફને જાણ કરી, અને એક મિનિટમાં સુપરવાઇઝર અને એડમિનિસ્ટ્રેટર પહોંચી ગયા. 108 એમ્બ્યુલન્સ અને નર્સને બોલાવવામાં આવી હતી. નયનની માતાની વિનંતીએ 1:00 વાગ્યે તેને સ્ટાફ અને સંબંધીઓની મદદથી ઓટોરિક્ષામાં સરદાર પટેલ હોસ્પિટલ લઈ જવાયો. એમ્બ્યુલન્સ 1:11 વાગ્યે પહોંચી, પરંતુ ત્યાં સુધીમાં નયન હોસ્પિટલ પહોંચી ગયો હતો. સ્કૂલે દાવો કર્યો કે આખી પ્રક્રિયા સાત મિનિટથી ઓછા સમયમાં પૂરી થઈ હતી.
ક્રાઇમ બ્રાન્ચે સ્કૂલના દાવાને ખોટો ગણાવીને જણાવ્યું કે નયનને 40 મિનિટ સુધી કોઈ સહાય ન મળી, જેના કારણે તેનું મોત થયું હતું. પોલીસે પ્રિન્સિપાલ અને બે શિક્ષકો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 239 (ગુનાની જાણ ન આપવી) અને 211 (જાહેર સેવકને જાણ ન કરવી) હેઠળ કેસ નોંધ્યો છે. શહેરના DEO રોહિત ચૌધરીના અહેવાલમાં સ્કૂલમાં તબીબી સુવિધાઓનો અભાવ હોવાનું પણ જણાયું, જેના આધારે પોલીસે પ્રિન્સિપાલ સામે હત્યા સમાન ગુનો ન ગણાય તેવી કલમ ઉમેરવાની તૈયારી બતાવી છે. ઉપરાંત, DEOએ સ્કૂલને 16 દસ્તાવેજો, જેમ કે ICSE બોર્ડનું પ્રમાણપત્ર, ફાયર NOC, અને શિક્ષકોની લાયકાત, સબમિટ કરવા શો-કોઝ નોટિસ ફટકારી છે.
હાઇકોર્ટમાં પડકાર અને DEO નોટિસ
SDA સ્કૂલે DEOની શો-કોઝ નોટિસ અને RTE એક્ટ હેઠળ નિમાયેલી પાંચ સભ્યોની તપાસ સમિતિની કાયદેસરતાને ગુજરાત હાઇકોર્ટમાં પડકારી છે. આ રિટ અરજીની સુનાવણી જસ્ટિસ નિખિલ એસ. કેરીયલની કોર્ટમાં એક-બે દિવસમાં થઈ શકે છે. DEOએ સ્કૂલને ધોરણ 1થી 12ની પરવાનગી, ટ્રસ્ટ ડીડ, મકાન ઉપયોગની પરવાનગી સહિતના દસ્તાવેજો માંગ્યા છે, અને સમયમર્યાદામાં પાલન ન કરવા પર કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. સ્કૂલે લોહીના ડાઘ ધોવાયા હોવાના આરોપોને પણ નકાર્યા, જણાવીને કે કેમ્પસમાં લોહીના ડાઘ નહોતા.
આ ઘટનાએ શહેરમાં ભારે આક્રોશ ફેલાવ્યો, જેના કારણે ટોળાએ સ્કૂલની મિલકતને નુકસાન પહોંચાડ્યું અને સ્ટાફ પર હુમલો કર્યો, જેના માટે અલગ FIR નોંધાઈ. વાલી સંગઠને અમ્યુકો કમિશનર અને મેયરને અરજી કરીને સ્કૂલની જમીન લીઝ રદ કરવાની માંગ કરી હતી. સરકારે આ મામલે ચાર અધિકારીઓની નિમણૂક કરી છે. પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું કે નયનને 1.5 સે.મી.નો છરીનો ઘા લાગ્યો, જેનાથી 2.5 લિટર લોહીનું નુકસાન થયું અને હાઈપોવોલેમિક શોકથી તેનું મોત થયું હતું. આ ઘટનાએ સ્કૂલોમાં સુરક્ષા અને ઈમરજન્સી સુવિધાઓની જરૂરિયાત પર ચર્ચા ઉભી કરી છે.
આપણ વાંચો: યુવતી સાથે આડાસંબંધની શંકાએ યુવકની સરાજાહેર હત્યા, રાપર પોલીસે દોડતી થઈ…