લોખંડી પુરુષની 150 મી જયંતિ; વડા પ્રધાન-રાષ્ટ્રપતિ સહીત અગ્રણી નેતાઓ શ્રદ્ધાંજલિ પાઠવી

અમદવાદ: આજે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી છે, જેની ગુજરાતના એકતાનગર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ઉપરાંત અનેક જગ્યાએ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીના સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી. દેશના અગ્રણી નેતાઓએ સોશિયલ મીડિયા પર લોખંડી પુરુષને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
વડાપ્રધાન મોદીએ X પર સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને કાર્યની એક ઝલક આપતો વિડીયો શેર કરીને તમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
વડાપ્રધાને પોસ્ટના કેપ્શનમાં લખ્યું, “ભારત સરદાર વલ્લભભાઈ પટેલને તેમની 150મી જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. તેઓ ભારતના એકીકરણ પાછળનું પ્રેરક બળ હતા. રાષ્ટ્રીય અખંડિતતા, સુશાસન અને જાહેર સેવા પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા પેઢીઓ સુધી પ્રેરણા આપતી રહેશે. અમે એક સંયુક્ત, મજબૂત અને આત્મનિર્ભર ભારતના તેમના વિઝનને જાળવી રાખવા અમે સાથે મળીને કરેલા સંકલ્પને ફરી સ્પષ્ટ કરી રહ્યા છીએ.”
રાષ્ટ્રપતિ પુષ્પાંજલિ અર્પણ કરી:
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીના સરદાર પટેલ ચોક ખાતે કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિ ભવનના ગણતંત્ર મંડપ ખાતે સરદાર પટેલના સ્મારકને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શું કહ્યું?
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે X પર લખ્યું, “એક કૃતજ્ઞ રાષ્ટ્ર વતી, હું લોખંડી પુરુષ, રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ખેડૂત સશક્તિકરણના પ્રતીક એવા સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.”
રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને બિરદાવતા અમિત શાહે લખ્યું, “સરદાર સાહેબે રજવાડાઓને એક કરીને રાષ્ટ્રની એકતા અને સુરક્ષાને મજબૂત બનાવી. તેમણે સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતો, પછાત અને વંચિતોને જોડીને દેશને સ્વરોજગાર અને આત્મનિર્ભરતા તરફ દોરી ગયા. તેઓ દ્રઢપણે માનતા હતા કે રાષ્ટ્રના વિકાસની ચાવી ખેડૂતોની સમૃદ્ધિમાં રહેલી છે. તેમણે ખેડૂતોના કલ્યાણ અને તેમના અધિકારોના રક્ષણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું.”
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ સરદારના યોગદાનને યાદ કર્યું,:
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે X પર સરદારના ભાષણ સાથે તેમની જીવન ઝાંખી દર્શાવતો વિડીયો શેર કરીને લખ્યું, “ભારતના મહાન લોખંડી પુરુષ, પ્રથમ નાયબ વડા પ્રધાન, ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને આપણા પ્રેરણા સ્ત્રોત સરદાર વલ્લભભાઈ પટેલને તેમની 150મી જન્મજયંતિ પર અમે આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ, જેમણે સમગ્ર રાષ્ટ્રને એકતા અને અખંડિતતાના દોરમાં બાંધ્યું હતું.”
તેમણે વધુમાં લખ્યું કે પંડિત નેહરુએ તેમને “ભારતની એકતાના સ્થાપક” કહ્યા હતા. સરદાર સાહેબ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ હતા. કરાચી કોંગ્રેસમાં તેમના નેતૃત્વ હેઠળ પસાર કરાયેલા મૂળભૂત અધિકારો અંગેના ઠરાવો ભારતીય બંધારણનો આત્મા છે. સરદાર પટેલ સાહેબ આપણા હૃદયમાં વસે છે, તેઓ કોંગ્રેસ પાર્ટીની વિચારધારાનો અભિન્ન ભાગ છે.
મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ પાઠવી:
ગુજરાતના મુખ્ય પ્રધાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નારણપુરામાં આયોજિત ‘સરદાર @ 150 – યુનિટી માર્ચ’ માં હાજરી આપી હતી, તેમને માર્ચને ફ્લેગ-ઓફ કારવાઈ હતી.
X પર એક પોસ્ટ કરી કરીને ભુપેન્દ્ર પટેલે લખ્યું, “દેશની એકતા અને અખંડિતતાના મહાનાયક લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીએ તેમને કોટિ કોટિ વંદન. આજનો આ દિવસ સમગ્ર દેશમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવાઈ રહ્યો છે, ત્યારે એકતાના આ રાષ્ટ્રીય પર્વની સૌ નાગરિકોને હાર્દિક શુભકામના. આવો, આજના આ પર્વે આપણે સૌ એકતાની તાકાતથી આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધ બનીએ, અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની વિભાવનાને સાચા અર્થમાં સાકાર કરીએ.”
આ પણ વાંચો…એકતા દિવસ 2025ઃ વડા પ્રધાને સરદાર પટેલને આપી પુષ્પાંજલિ
 
 
 
 


