GST ઘટતા નવી કારના વેચાણમાં વધારો; પણ યુઝ્ડ કાર ડીલરોની દિવાળી બગડી, વેચાણ આટલા ટકા ઘટ્યું

અમદાવાદ: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલા સુધારેલા GST દર ગત 22 સપ્ટેમ્બરના રોજથી લાગુ થઇ ગયા છે. કાઉન્સિલે નવી કાર પર GST દર 28% થી ઘટાડીને 18% કર્યો હતો, આ ઘટાડાને કારણે નવી કારના વેચાણમાં વધારો થાયો છે, પરંતુ જૂની કારના વેપારીઓને મોટો ફટકો પડ્યો છે. અહેવાલ મુજબ નવરાત્રી અને દશેરા દરમિયાન ગુજરાતમાં યુઝ્ડ કારના વેચાણમાં 60-65% ઘટાડો નોંધાયો છે.
નોંધનીય છે કે નવી કાર પર GST 28% થી ઘટીને 18% થતા સ્મોલ એને મિડીયમ સેગમેન્ટની કારની કિંમતમાં 50,000 રૂપિયાથી માંડીને 1.5 લાખ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. તહેવારોની સિઝનમાં નવી કારના ડિલરોએ ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી રહ્યા છે, જેને કારણે યુઝ્ડ કાર અને નવી કારની કિંમતો વચ્ચે તફાવત ઓછો થયો છે. ગ્રાહકોને યુઝડ કારને બદલે નવી કાર લેવાનું પસંદ કરી રહ્યા છે.
યુઝડ કારના ડીલરોને ફટકો:
અમદવાદના કાર ડીલરના જણાવ્યા મુજબ યુઝડ કારના વેચાણ 60-65%નો ઘટાડો નોંધાયો છે, જેને કારણે યુઝડ કારના ડિલરોની દિવાળી બગડી છે. ઉપરાંત માર્જિન સ્કીમ હેઠળ, યુઝડ કારના વેચાણથી ડીલરને થતા નફાના માર્જિન પર 18% GST વસૂલવામાં આવે છે, વાહનના ફૂલ વેલ્યુ પર નહીં, અને ડીલરો ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) નો દાવો કરી શકતા નથી.
નવા વાહનોના વેચાણમાં વધારો:
નવા GST દર લાગુ થયા એ પહેલા 21 સપ્ટેમ્બર સુધી વાહનોનું વેચાણ ધીમું રહ્યું હતું. સપ્ટેમ્બર મહિના માટે એકંદર વાર્ષિક ગ્રોથ 5.22 ટકાના નોંધાયો હતો. સપ્ટેમ્બરમાં કુલ 18,27,337 યુનિટનું વેચાણ થયું હતું, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 17,36,760 યુનિટ હતું.
અહેવાલ મુજબ જીએસટી સુધારા લાગુ થયા બાદ તહેવારોના દિવસોમાં દરમિયાન નવા પેસેન્જર વેહિકલના વેચાણમાં વાર્ષિક ધોરણે 34.8 ટકાનો વધારો થયો છે. ટુ વ્હીલર વાહનોના વેચાણમાં 36 ટકાનો વધારો નોંધાયો હતો.
સપ્ટેમ્બરમાં ટુ-વ્હીલર વાહનો વેચાણ 6.1 ટકા વધીને 12,87,735 થયું, જે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં 12,08,996 હતું. સપ્ટેમ્બર 2024 માં 2,82,945 ની સરખામણીમાં, પર્સનલ વેહિકલનું વેચાણ સપ્ટેમ્બર 2025માં 5.81 ટકા વધીને 2,99,369 થયું.
થ્રી-વ્હીલર વાહનોના વેચાણમાં 7.20 અને કોમર્શિયલ ઇક્વિપમેન્ટ વાહનોના વેચાણમાં 19 ટકાનો ઘટાડો નોંધાયો છે.
આ પણ વાંચો…વર્તમાન નાણાકીય વર્ષમાં ચાર લાખ કાર નિકાસનો આંક હાંસલ થશેઃ મારુતિ સુઝુકી