સલામતીના દાવા માત્ર કાગળ પરઃ ગુજરાતમાં હાલમાં પણ 28 જર્જરિત બ્રિજનું સમારકામ ચાલી રહ્યું છે પણ…

અમદાવાદઃ ગુજરાતમાં અનેક બ્રિજ એવા છે જે જર્જરિત હાલતમાં છે અને તેનું સત્વરે સમારકામ થવું જરૂર છે. પરંતુ તંત્ર દ્વારા માત્ર પોકળ દાવા જ કરવામાં આવે છે. પોકળ દાવાના કારણે ગંભીરા બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો અને 15 લોકોના અકાળે મોત થયાં છે, સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે અત્યારે ગુજરાતમાં કુલ 28 જુના બ્રિજોનું સમારકામ ચાલી રહ્યું છે. ગંભીરા બ્રિજ તૂટ્યો તેના કારણે રાજ્યમાં અન્ય બ્રિજોને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે.
માત્ર સાત મહિના પહેલા બનેલો બ્રિજ પણ ક્ષતિગ્રસ્ત થયો
રાજ્યમાં અત્યારે 28 જેટલા બ્રિજનું સમારકામ ચાલી રહ્યું છે, જેમાં ચોંકાવનારી વાત એ છે કે, આમાંથી ઘણાં બ્રિજ તો એવા છે જે હમાણાં જ બન્યા હોય. જી હા, કચ્છમાં આવેલા રૂદ્રમાતા બ્રિજને બન્યાને માત્ર સાત મહિના થયા છે, છતાં આ બ્રિજના છેડે ભંગાણ થયું છે. હવે તંત્ર પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરવા માટે બ્રિજનું સમારકામ કરી રહ્યું છે. રાજ્યમાં જર્જરિત બ્રિજ અંગે વિગતો આપતા જવાબદાર લોકો મૌન સેવી રહ્યાં છે. આ મૌન કહે છે કે, જવાબદાર લોકો ઈમાનદારીથી કામ નથી કર્યું અને બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયો છે. લાખો-કરોડો રૂપિયાથી ભ્રષ્ટાચારીઓની ઘર ભરાયા છે. અત્યારે 28 બ્રિજનું સમારકામ ચાલે છે પરંતુ તેમાંથી કયો બ્રિજ ક્યારે બન્યો? આ બ્રિજ વાસ્તવમાં કેટલા જોખમી છે? આ અંગે રાજ્યના સરકારી તંત્ર દ્વારા જોઈ જાણકારી આપવામાં આવતી નથી.
સરકારે દરેક બ્રિજ સલામત હોવાના માત્ર પોકળ દાવા કર્યા
મોરબીમાં ઝુલતો પુલ પડ્યો ત્યારે સરકારે હાઈ કોર્ટે રાજ્ય સરકાર પાસેથી રાજ્યના દરેક બ્રિજો અંગે રિપોર્ટ માંગ્યો હતો. ત્યારે રાજ્ય સરકાર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ગુજરાતમાં તમામ બ્રિજ સલામત હાલતમાં છે. તો પછી અત્યારે 25 બ્રિજનું સમારકામ શા માટે? એટલે કે સરકાર દ્વારા બ્રિજ સલામત હોવાના માત્ર પોકળ દાવા કરવામાં આવ્યાં હતાં. વાસ્તવમાં હાઈ કોર્ટના આદેશ પ્રમાણે કોઈ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું જ નથી, અને જો રાજ્ય સરકાર દ્વારા ઇન્સ્પેક્શનના આદેશ આપ્યાં તો પછી જે તે સરકારી અધિકારીઓએ ઇન્સ્પેક્શનની ફાઈલો અભરાઈએ ચડાવી દીધી અને ખોટા રિપોર્ટ જમા કરાવી દીધા હશે. ગંભીરા બ્રિજ અંગે એક જાગૃત નાગરિકે 2022માં જ લેખિતમાં તંત્રને અરજી કરી હતી પરંતુ તંત્ર દ્વારા આ મામલે કોઈ કામગીરી કરવામાં આવી જ નહીં!
આપણ વાંચો: અરે બાપરે…આટલી દવાઓ વેચાય છે ગેરકાયદેઃ સરકારના સર્ચ ઑપરેશનમાં થયા સેંકડો કેસ
શું કોઈ મોટી હોનારત થયા બાદ જ તંત્ર જાગે છે?
અત્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યના કેટલાક બ્રિજોને બંધ કરી દેવામાં આવ્યાં છે. એટલે કે મોટી હોનારત થયા બાદ જ તંત્ર જાગે છે! એવું પ્રમાણિત થાય છે. વારંવાર લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવે છે. તેમ છતાં તંત્ર દ્વારા માત્ર આંખ આડા કાન કરી દેવામાં આવે છે. અત્યારે જે 28 બ્રિજનું સમારકામ ચાલી રહ્યું છે, તે અંગે પણ જવાબદાર લોકોએ કોઈ ઉત્તર આપ્યો નથી. હવે જોવાનું એ રહે છે કે, સરકાર દ્વારા જર્જરિત બ્રિજોનું સમારકામ કરવામાં આવે છે કે પછી કોઈ બીજી હોનારતની રાહ જોવામાં આવશે!