ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં આવ્યું પૂર, રિવરફ્રન્ટ બંધ કરાયો

અમદાવાદ: ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે આ વિસ્તારની નદીઓમાં પાણીની આવક વધી છે. ઉપરવાસમાં થયેલી પાણીની આવકને કારણે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેથી અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે.
60,000 કર્યુસેક જેટલું પાણી છોડાયું
ધરોઈ ડેમ, ગાંધીનગરનું સંત સરોવર તથા વાસણા બેરેજમાંથી કુલ 60,000 ક્યુસેક જેટલું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. સાબરમતી નદીનું પાણી ધોળકા, ભાટ સહિતના ગામોમાં આગળ વધી રહ્યું છે. જેથી વટવા, વેજલપુર, દસક્રોઈ અને ધોળકા વિસ્તારમાં રહેતા લોકોએ તકેદારી રાખવા અપીલ છે.
રિવરફ્રન્ટ બંધ કરાયો
સાબરમતી રિવરફ્રન્ટના વોક વે અને લોઅર પ્રોમિનાડ પર પાણી ફરી વળ્યા છે. સાપ જેવા પ્રાણીઓ પણ નદીના પાણીમાં તણાઈ આવ્યા છે. જેને જોવા માટે શહેરીજનો રિવરફ્રંટ પર આવી રહ્યા છે. પરંતુ સાવચેતીના ભાગરુપે રિવરફ્રન્ટને બંધ કરવામાં આવ્યો છે.
આપણ વાંચો: કચ્છમાં પકડાયેલા 15 પાકિસ્તાની માછીમારોનો ઈરાદો શું છેઃ સુરક્ષા એજન્સી કરશે સઘન તપાસ
સુભાષ બ્રિજ પાસે બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે. જ્યાં દેખરેખ રાખતા બે સિક્યુરિટી ગાર્ડ નદીની વચ્ચે કન્ટેનરમાં ફસાયા છે. ઉલ્લેખનીય છે કે, ધરોઈ ડેમને ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે. ડેમમાં હજુ પણ પાણીની આવક ચાલું છે. તેને જોતા એવું લાગે છે કે, ધરોઈ ડેમના પાણી પર નિર્ભર વિસ્તારોને આવતા વર્ષે પાણીની તંગી પડશે નહીં.