વિકાસના કામો ગોકળગાયની ગતિએ થાય છે: AMCની સમીક્ષા બેઠકમાં ભાજપના કોર્પોરેટરોની ફરિયાદ

રાબેતામુજબ જવાબ આપતા અધિકારીઓને ઋષિકેશ પટેલે આપી સ્પષ્ટ સૂચના
અમદાવાદ: સ્વચ્છ શહેરનું બિરૂદ ધરાવતા અમદાવાદ શહેરમાં આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. જેને લઈને ભાજપના કોર્પોરેટરો અને કાર્યકરોને લોકાભિમુખ બનાવવા માટે પ્રભારીમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્ય પ્રધાન દર્શના વાઘેલા તથા ચાર ઝોનના કોર્પોરેટર હાજર રહ્યા હતા. જોકે, આ સમીક્ષા બેઠકમાં ભાજપના જ કોર્પોરેટરોએ વિકાસના કામો ધીમી ગતિએ થતા હોવાની ફરિયાદો કરી હતી. જેથી મ્યુનિસિપલ કમિશ્નરને તેમનો જવાબ આપવાની ફરજ પડી હતી.
‘ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે.’
ભારી મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાની હાજરીમાં યોજાયેલી બેઠકમાં ભાજપના કોર્પોરેટરોએ રજૂઆત કરી હતી કે, અમારા વોર્ડમાં કામો ગોકળગાયની ગતિએ ચાલી રહ્યા છે. જેને લઈને પ્રભારી મંત્રીએ કામોના વિલંબ અંગે અધિકારીઓને સવાલ કર્યા હતા. જેનો રાબેતામુજબ જવાબ આપતા અધિકારીઓએ કહ્યું હતું કે, ‘ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે.’ પરંતુ પ્રભારી મંત્રીને આ જવાબથી સંતોષ ન થતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ દરમિયાનગીરી કરીને બાંહેધરી આપી હતી કે, તમામ મોટા પ્રોજેક્ટ્સ અને વોર્ડ લેવલના કામો સમયસર પૂર્ણ કરી દેવામાં આવશે.
સીમીક્ષા બેઠક બની ફરિયાદોનું કેન્દ્ર
વિકાસના કામોમાં વિલંબ ઉપરાંત કોર્પોરેટરોએ રોડ, ગટર, પાણી તથા ટ્રાફિક જામની સમસ્યા અંગે પણ ઉગ્ર રજૂઆત કરી હતી. આ સમસ્યાના ઉકેલ માટે પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે હવે પછીની બેઠકોમાં ટ્રાફિક પોલીસના અધિકારીઓને પણ સાથે રાખવાનો નિર્ણય લીધો હતો. આમ, પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં મળેલી સમીક્ષા બેઠક ચૂંટણી લક્ષી રણનીતિ અને સ્થાનિક ફરિયાદોનું કેન્દ્ર બની હતી.
ઋષિકેશ પટેલની સ્પષ્ટ સૂચના
ઉલ્લેખનીય છે કે, સમીક્ષા બેઠકના અંતે પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે અધિકારીઓને ટેન્ડર પ્રક્રિયા ઝડપી બનાવવા કખ નવા કામોના ખાતમુર્હત જલ્દી થાય તે માટે વહીવટી પ્રક્રિયા ટૂંકાવવા સ્પષ્ટ સૂચના આપી હતી. આ સિવાય જે કામો પૂર્ણતાના આરે છે તેનું સત્વરે લોકાર્પણ કરી જનતાને સુવિધા આપવાની ટકોર કરી હતી. આ બેઠકમાં આ બેઠકમાં માત્ર અધિકારીઓ જ નહીં, પરંતુ સાંસદો, ધારાસભ્યો અને ભાજપ સંગઠનના હોદ્દેદારોની હાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.



