અમદાવાદ સ્ટેશન પર RPF ના જવાને આત્મહત્યાનો પ્રયાસ કરનારા માનસિક બીમાર વ્યક્તિનો જીવ બચાવ્યો…

અમદાવાદઃ પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન પર આજે પ્લેટફોર્મ નંબર 04/05ની દક્ષિણ બાજુએ રેલવે બ્રિજની સીડી પર એક માનસિક રીતે વિક્ષિપ્ત વ્યક્તિએ દોરડા વડે લટકીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ વખતે સતર્ક પોલીસની મદદથી તેનો જીવ બચાવી લેવામાં આવ્યો હોવાનું રેલવેએ જણાવ્યું હતું.
રેલવે સ્ટેશન પર ફરજ પર તહેનાત રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના કોન્સ્ટેબલ અમન કુમારે સ્ટેશન પર હાજર કુલીની મદદથી સમયસર હસ્તક્ષેપ કર્યો હતો. ગંભીર પરિસ્થિતિમાં સતર્કતા દર્શાવીને તે વ્યક્તિનો જીવ બચાવ્યો હતો.
તે વ્યક્તિના હાથમાં કાચની તૂટેલી બોટલ પણ હતી, જેનાથી સ્ટાફને શારીરિક નુકસાન થઈ શક્યું હોત, પરંતુ પોતાના શારીરિક નુકસાનની પરવા કર્યા વિના, કોન્સ્ટેબલ અમન કુમારે માનસિક રીતે વિક્ષિપ્ત વ્યક્તિનો જીવ બચાવ્યો.
આરપીએફના જવાન દ્વારા પ્રદર્શિત સાહસ, ત્વરિત નિર્ણય ક્ષમતા અને કર્તવ્યનિષ્ટ્ઠા ખૂબ જ પ્રશંસનીય હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.