અમદાવાદની નવરાત્રી બની ગઈ છે લૂંટફાંટનો ધંધો, ખેલૈયાઓ પણ જાણીજોઈ બને છે શિકાર

નવરાત્રી એટલે શક્તિની ભક્તિનો પ્રસંગ, પરંપરાગત નૃત્ય સંસ્કૃતિનો તહેવાર છે. પરંતુ ભીડ ભેગી કરવા અને વધુ નફો કમાવા માટે ઘણા લોકોએ આ તહેવારને ખેલૈયાઓને લૂંટવાનો ગોરખધંધો શરૂ કરી દીધો હતો. ઊંચી એન્ટ્રી ફીથી લઈને અતિશય ખર્ચાળ ખાણીપાણીએ ખેલૈયાઓનો આનંદ ઝાંખો કરી દીધો છે. જ્યારે બીજી બાજુ ખેલૈયા પણ આયોજકોની આ ચાલને જાણતા હોવા જતા મજા માણવા માટે ન છુટકે આ ખર્ચો કરે છે અને આયોજકોની ચાલનો શિકાર બને છે.
અમદાવાદમાં આ વર્ષે ગરબા પાસની કિંમત 3,500 રૂપિયા સુધી પહોંચી ગઈ, જ્યારે બહાર 20 રૂપિયામાં મળતી પાણીની બોટલ પાર્ટી પ્લોટમાં અંદર 100 રૂપિયામાં વેચાઈ રહી હતી. એક પ્લેટ મેગી કે સમોસા, જે સામાન્ય રીતે સસ્તું હોય, તેની કિંમત ત્રણથી ચાર ગણી રાખવામાં આવી હતી. ત્યારે પાર્કિગને લગતી સમસ્યાતો અલગ જ હતી. ખેલૈયાઓને વાહનોને ગરબા ગ્રાઉન્ડથી લગભગ એક કિલોમીટર દૂર પાર્ક પડી રહ્યા હતા. જેના અલગથી 100-200 રૂપિયાની ચાર્જ ચૂકવવો પડી રહ્યો હતો. કેટલાક મેદાનોમાં ખેલૈયાઓને થીમ પ્રમાણે રંગીન પોશાક 1,000 રૂપિયામાં ભાડે આપવામાં આવી રહ્યા હતા.
ઘણા એવા ગરબા ગ્રાઉન્ડ જોવા મળ્યા કે, જ્યારે કેપેસિટીથી વધુ પ્રામાણમાં લોકોનો જમાવડો જોવા મળ્યો. કેમ કે જરૂરીયતી વધુ પ્રમાણમાં પાસ વેચવામાં આવ્યા હતા. આયોજકોએ પૈસાની લાલચમાં જરૂરિયાતથી વધુ પાસ વેચી દીધા, જેના કારણે મેદાનો ખીચોખીચ ભરાઈ ગયા. ઘણા ખેલૈયાઓએ ગરબાની મજા લેવાને બદલે ભીડમાં ધક્કામુક્કીનો અનુભવ કર્યો. શહેરની આસપાસના 100થી વધુ પાર્ટી પ્લોટ અને ફાર્મહાઉસમાં યોજાયેલા આ ગરબાઓએ એકબીજાને ટક્કર આપવા માટે જાણે નફાખોરીની હરીફાઈ કરી હતી.
GST દરોડા અને ભવિષ્યની આશા
આયોજકોની લાલચ એટલી હદે વધી કે કેટલાક મેદાનોમાં GST દરોડા પડ્યા, કારણ કે તેઓએ ખોટા હિસાબો રજૂ કર્યા હતા. નવરાત્રિ 2025 પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ સવાલ એ છે કે શું આગામી વર્ષે આવા આયોજકો સામે કડક કાર્યવાહી થશે? કે પછી શું ખેલૈયાઓ ગરબાની મજા માણવા માટે ફરી ઊંચી કિંમતો ચૂકવી પડશે.