ફ્લાવર શો 2026: રિવરફ્રન્ટ જવાના છો તો ટિકિટના ભાવ પણ જાણી લે જો?

અમદાવાદઃ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાતા ફ્લાવર શોની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. જોકે, આ વખતે મુલાકાતીઓના ખિસ્સા પર ભાર વધવાનો છે, કારણ કે તંત્ર દ્વારા ટિકિટના દરોમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી શરૂ થતા આ વર્ષે ફ્લાવર શોમાં 5 અલગ-અલગ થીમ આધારિત ઝોન અને 2 ગિનીસ વર્લ્ડ રેકોર્ડના પ્રયાસો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજાતા અને શહેરની શાન ગણાતા સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનાર વાર્ષિક ફ્લાવર શોની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જોકે, આ વર્ષે અમદાવાદીઓને ફૂલોની સુંદરતા માણવી થોડી મોંઘી પડશે. મનપા દ્વારા પ્રવેશ ફીમાં મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે.
મનપાની રિક્રિએશનલ કમિટીએ ફ્લાવર શો 2026માં પ્રવેશ અંગે નક્કી કરેલા ટિકિટના દરો મુજબ, આ વર્ષે સોમવારથી શુક્રવાર દરમિયાન ફ્લાવર શોની મુલાકાત લેનારા 12 વર્ષથી ઉપરના નાગરિકોએ રૂ.80 પ્રવેશ ફી ચૂકવવી પડશે. ગત વર્ષે આ ફી રૂ.70 હતી, એટલે કે આ વર્ષે ટિકિટમાં રૂ.10નો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે શનિવાર અને રવિવાર એટલે કે વીકએન્ડમાં ભીડને નિયંત્રિત કરવા માટે આ ચાર્જ 100 રૂપિયા કરવામાં આવ્યો છે.
તંત્ર દ્વારા બાળકો અને ખાસ વર્ગ માટે રાહત પણ આપવામાં આવી છે. 12 વર્ષ અને તેથી નીચેની ઉંમરના બાળકો માટે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, દિવ્યાંગો અને ભારતીય સૈનિકોને પણ વિનામૂલ્યે પ્રવેશ મળશે. શાળાના પ્રવાસ માટે પણ ખાસ જોગવાઈ છે, મનપા સિવાયની અન્ય ખાનગી શાળાના બાળકો જો સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે 9 થી 1 વાગ્યા સુધી આવે તો તેમની પ્રવેશ ફી માત્ર 10 રૂપિયા રહેશે.
ખાસ વાત એ છે કે, ભીડથી બચવા માંગતા અને શાંતિથી ફ્લાવર શો નિહાળવા માંગતા લોકો માટે મનપાએ ખાસ ‘પ્રાઈમ ટાઈમ સ્લોટ’ની વ્યવસ્થા કરી છે. એટલે કે સવારે 8થી 9 અને રાત્રે 10થી 11 વાગ્યા દરમિયાન જે લોકો મુલાકાત લેવા માંગતા હોય તેમણે રૂ. 500 ચૂકવવા પડશે. આ સ્લોટમાં મર્યાદિત સંખ્યામાં લોકોને પ્રવેશ આપી ખાસ અનુભવ કરાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રિવરફ્રન્ટના પશ્ચિમ કિનારે ઈવેન્ટ સેન્ટરથી ફ્લાવર ગાર્ડન સુધીના વિશાળ એરિયામાં આયોજન કરાયું છે. મુખ્યપ્રધાનના હસ્તે ફ્લાવર શો ખુલ્લો મૂકવામાં આવશે. આ વર્ષના ફલાવર શો 2026માં ખર્ચ 17 થી 18 કરોડ આસપાસ પહોંચશે. જેમાં સ્કલ્પ્ચર, આઇકૉનિક સ્કલ્પ્ચર, ફ્લાવરિંગ, ફ્લાવર વોલ, મંડપ સહિતની તમામ કામગીરી માટે લગભગ 8 કરોડની ખર્ચ કરવામાં આવ્યો છે. આ વર્ષે ફ્લાવર શોને કુલ 5 અલગ-અલગ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો છે, અને પ્રવેશદ્વાર પર જ ભવ્ય કમળ આકારના ફાઉન્ટેન મૂકવામાં આવ્યા છે.
8 કરોડ જેટલી રકમ ફક્ત જુદા જુદા સ્કલ્પ્ચર માટે ખર્ચાશે. ભારત એક ગાથા થીમ પર ફલાવર શો 2026 નું આયોજન કરાયું છે. જેમાં પૌરાણિકતાથી આધુનિકતા સુધીના સમયને ફૂલોના વિવિધ સ્કલ્પ્ચર થકી પ્રદર્શિત કરાશે. ગુજરાતના ગરબા સહિત દેશના વિવિધ રાજ્યોના લોકનૃત્યની પ્રતિકૃતિ આ વર્ષે મુખ્ય આકર્ષણ બની રહેશે. તો ઈસરોના સ્પેશ શટલ અને ઓપરેશન સિંદૂરની પણ પ્રતિકૃતિ લોકોને આકર્ષશે. દેવો અને દાનવો વચ્ચે થયેલું સમુદ્ર મંથન સૌથી વધુ આકર્ષણ જમાવશે. ફ્લાવર વેલી, સેલ્ફી પોઇન્ટ અને ફ્લાવર વોલ સહિતના અન્ય આકર્ષક સ્કલ્પ્ચર બનાવી મુકવામાં આવશે.
જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 500 થી વધુ પ્રજાતિના 7 લાખ કરતા પણ વધુ છોડ રોપા ફ્લાવર શો માટે લાવવામાં આવ્યા છે. જેમાં દેશી વિદેશી, સીઝનલ અને બારમાસી રંગબેરંગી ફૂલો લાખો લોકોને આકર્ષશે. જેની સામે ફૂડ સ્ટોલ, ફ્લાવર સ્ટોલ અને અન્ય સ્ટોલની હરાજી થકી 2-3 કરોડની આવક થવાનો અંદાજ છે. આ વર્ષે પણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાના પ્રયાસ કરાશે. આ વર્ષે સરદાર પટેલની ફૂલોથી બનેલી સૌથી ઊંચી પ્રતિમા ઉભું કરવાનું આયોજન છે.
આપણ વાંચો: ‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ: સરકારે જમીન વળતર અને રસ્તાના પ્રશ્નો ઉકેલવા આપ્યા આદેશ



