અમદાવાદ

આતંકવાદની લડાઈમાં વિપક્ષનું સરકારને સમર્થનઃ ભરતસિંહ સોલંકી, નીતિન પટેલે કહી આ વાત

અમદાવાદઃ ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેનાએ મોડી રાતે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરીને પહલગામ હુમલાનો બદલો લીધો હતો. મોદી સરકાર દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈકને કોંગ્રેસે પણ સમર્થન આપ્યું હતું. ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ કહ્યું આતંકવાદનો ખાત્મો થવો જોઈએ. દેશ હિતની વાત અલગ અને રાજકારણ અલગ છે. આતંકવાદની આ લડાઈમાં વિપક્ષનું સરકારને સમર્થન છે, સરકાર જે કોઈ પગલાં ભરે તેમાં વિપક્ષનું પૂરેપૂરું સમર્થન છે. ઈન્દિરા ગાંધીના સમયે પણ આતંકવાદ સામેની લડાઈ લડવામાં આવી હતી, જ્યાં સેના અને સરકાર દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇકની કાર્યવાહી અભિનંદનને પાત્ર છે.

નીતિન પટેલે ઓપરેશન સિંદૂર પર શું કહ્યું?

રાજ્યના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ઓપરેશન સિંદૂર પર કહ્યું, 140 કરોડ દેશવાસી જેની રાહ જોતા હતા તેવો હુમલો ભારતે કર્યો છે. આતંકવાદીઓએ પહલગામમાં પ્રવાસી પર હુમલો કર્યો હતો. 26 પ્રવાસીની હત્યાનો બદલો લેવા દેશ આતુર હતો, પીએમ મોદીએ બદલો લેવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાન આર્થિક રીતે પાયમાલ થતા ભિખારી કક્ષાનો દેશ થયો છે. પાકિસ્તાન આતંકવાદીને ભારતને સોપતું નથી. પહલગામ હુમલા બાદ દેશમાં રોષ હતો, સેનાએ હુમલો કરીને બદલો લીધો છે. ભારત શાંતિપ્રિય દેશ છે પરંતુ તેને કોઈ છેડે તો છોડતું નથી. પાકિસ્તાનને આર્થિક પાયમાલ કરવામાં આવશે. પાક.ને સબક શીખવાડવા ભારતે નદીના પાણી બંધ કર્યા, થોડા દિવસોમાં પાકિસ્તાન પાણી માટે તડપશે, પાકિસ્તાનની ખેતી પાણી વગર સુકાઈ જશે. ટ્રમ્પ અને પુતિને ભારતને ટેકો આપ્યો છે, ઓપરેશન સિંદૂર બાદ વિદેશ નીતિમાં દેશ સફળ થયો છે. મોદી, શાહ અને રાજનાથસિંહની નીતિ સફળ ગઈ છે. બધા રાજકીય પક્ષ અને 140 લોકો મોદીની પડખે ઉભા છે.

શું છે ઓપરેશન સિંદૂર

પહલગામ હુમલાનો જવાબ આપવા મંગળવાર રાત્રે દેશના સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો હતો. ઘાતક ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને કરવામાં આવેલા આ હુમલાઓમાં નવ સ્થળોએ આતંકવાદી કેમ્પ અને માળખાનો નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે સેનાએ જાહેર કર્યું કે ન્યાય થયો છે! તેનું નામ હતું- ઓપરેશન સિંદૂર. પહલગામ હુમલામાં, આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછ્યા બાદ ગોળી મારી દીધી હતી. હુમલાના 15 દિવસ પછી મંગળવાર મોડી રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર બંનેમાં આતંકવાદી કેમ્પો પર આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઓપરેશનની ખાસ વાત એ હતી કે પાકિસ્તાનની કોઈપણ લશ્કરી છાવણી તેની રેન્જમાં ન આવે તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન ભારતે માત્ર આતંકવાદી કેમ્પ અને માળખાઓને જ નિશાન બનાવ્યા હતા.

આ પણ વાંચો….ઓપરેશન સિંદૂર પર શું બોલ્યા ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button