
અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં બીજા દિવસે ગ્લેમરનો તડકો જોવા મળ્યો હતો. બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી રાની મુખર્જી અને ઇમરાન હાશ્મીની હાજરીએ પતંગ મહોત્સવની રંગત વધારી દીધી હતી. ઉત્તરાયણ પૂર્વે યોજાયેલા આ કાર્યક્રમમાં ફિલ્મી સિતારાઓને પોતાની નજરે નિહાળવા માટે અમદાવાદીઓની ભારે ભીડ ઉમટી પડી હતી. મહોત્સવમાં સિતારાઓની એન્ટ્રી થતા જ આખું વાતાવરણ ચાહકોની ચિચિયારીઓ અને હર્ષોલ્લાસથી ગાજી ઉઠ્યું હતું.
કાઇટ ફેસ્ટિવલના બીજા દિવસે રાની મુખર્જી અને ઇમરાન હાશ્મીએ પતંગબાજોની સાથે મળીને પતંગ ચગાવવાની મજા માણી હતી. તશ્કરીના કાસ્ટે પતંગબાજીનું દમદાર પરફોર્મન્સ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આ કલાકારોનું સ્વાગત કર્યું હતું અને તેમની સાથે પતંગબાજી કરી હતી. રાની મુખર્જીએ હસતા મુખે પતંગની ડોર હાથમાં પકડીને આકાશમાં પેચ લડાવ્યા હતા, જે જોઈને ત્યાં હાજર પ્રવાસીઓ અને ચાહકો રોમાંચિત થઈ ગયા હતા.
રિવરફ્રન્ટ ખાતે તૈયાર કરવામાં આવેલી અમદાવાદની હેરિટેજ પોળની વિશેષ થીમે ઇમરાન હાશ્મીનું દિલ જીતી લીધું હતું. ઇમરાને અમદાવાદના વારસા અને હેરિટેજ સંસ્કૃતિના મન ભરીને વખાણ કર્યા હતા. તેમણે બાળપણની યાદો તાજી કરતા જણાવ્યું હતું કે, તેઓ નાનપણમાં ખૂબ પતંગ ઉડાવતા હતા અને અહીં આવીને તેમને તે દિવસો યાદ આવી ગયા છે. આ સાથે જ તેમણે પોતાની અપકમિંગ વેબ સિરીઝ ‘તસ્કરી: ધ સ્મગલર્સ વેબ’ વિશે પણ વાત કરી હતી, જે 14મી જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે.
પતંગ મહોત્સવમાં માત્ર આકાશ જ નહીં પરંતુ સાંજે રિવરફ્રન્ટની ધરતી ગુજરાતી કલાકારોના પર્ફોર્મન્સથી ગુંજી ઉઠી હતી. દરરોજ સાંજે ગુજરાતી લોક કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. આ કાર્યક્રમો નિહાળવા માટે તંત્ર દ્વારા પ્રતિ વ્યક્તિ 50 રૂપિયાની ટિકિટ નિર્ધારિત કરવામાં આવી છે. પતંગ રસિયાઓ અને પ્રવાસીઓ માટે આ પતંગોત્સવ 17 જાન્યુઆરી સુધી ચાલુ રહેવાનો છે, જેથી લોકો લાંબા સમય સુધી આ ઉત્સવનો આનંદ માણી શકે.
આપણ વાંચો: ગુજરાતના આ શહેરમાં બનાવાયા માસ્ટિક આસ્ફાલ્ટ રોડ, ચોમાસામાં ધોવાઈ જવાનો ખતરો નહીં



