બહેન સાથેના કથિત સંબંધોનો રોષ રાખી રાજકોટમાં હત્યા, હત્યારો પોલીસ સ્ટેશને હાજર થયો

અમદાવાદઃ સૌરાષ્ટ્રના રાજકોટમાં એક મિત્રએ મિત્રની 44 સેકન્ડમાં છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી અને પછી પોતે પોલીસ સ્ટેશને હાજર થઈ ગયો હતો. આરોપી મહેશ જેઠવાએ મિત્ર નીલેશ ધોકિયાની વાસ્તુ પ્લાઝા નામની બિલ્ડિંગમાં હત્યા કરી નાખી હતી.
મહેશની બહેનને નીલેશ સાથે કથિત સંબંધો હતા અને નીલેશ તેને પજવતો હોવાનું મહેશ માનતો હતો, આથી તેણે આ હત્યા કરી હોવાનું પ્રાથમિક અહેવાલો દ્વારા બહાર આવ્યું હતું.
આપણ વાચો: 2021નો ચકચારી હત્યાકેસ:ગુનાના સ્થળે વાળના ગુચ્છા જાહ્ન્વી કુકરેજા પર ક્રૂર હુમલો સૂચવે છે: કોર્ટ…
શહેરના તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી ઈમારતમાં 43 વર્ષીય નીલેશ હાજર હતો ત્યારે મહેશ આવ્યો હતો અને કોઈને વચ્ચે ન પડવાનું કહી તેણે છરીના ઉપરાઉપરી આઠ ઘા ઝીંકી દીધા હતા. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. સમગ્ર મામલાની જાણ 112 ઉપર થતા રાજકોટ શહેર તાલુકા પોલીસનો કાફલો તેમજ 108ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. 108ની ટીમે નીલેશને મૃત જાહેર કર્યો હતો.
દરમિયાન તાલુકા પોલીસને ગાંધીગ્રામ પોલીસે જણાવ્યું હતું કે હત્યા કરનારો મહેશ પોતે જ પોલીસ સ્ટેશને હાજર થઈ ગયો છે. પોલીસે મૃતકના મોટાભાઈની ફરિયાદના આધારે મહેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મૂળ ખોરાસાના મહેશની બહેન હાલમાં ગીર સોમનાથ ખાતે સાસરે છે. નીલેશ અને તેની બહેનની કથિત સંબંધો હતા અને પરિણિત બહેન સાથે હજુ તેણે સંબંધો ચાલુ રાખ્યા હતા અને મહેશના કહેવા અનુસાર નીલેશ તેની બહેન સાથે સંપર્ક રાખતો હતો. આ બાબતે બનેવીએ મહેશને જણાવતા મહેશે, આવું પગલું ભર્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. મૃતક બે સંતાનના પિતા હતો અને ફર્નિચરના કામ સાથે જોડાયો હતો. આ ઘટનાએ બે પરિવારનું ભાવિ અંધકારમય બનાવી દીધું હતું.



